ડીસાઃ વહીવટી-રાજકીય ઘર્ષણમાં બગીચાનો વિકાસ ઘરડો, રહીશો ત્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલો સૌથી મોટો બગીચો વિકાસની ભરયુવાનીએ ઘરડો થઇ ગયો છે. કરોડોના ખર્ચે આંખો અંજાઇ જાય તેવો બગીચો ભાજપ સરકારના ફંડથી તૈયાર થયો છતાં ઉદ્ઘાટનનો લાભ ભાજપી સત્તાધિશો મેળવી શક્યા નથી. રાજકીય ખેંચતાણમાં જમીનના માલિકી હક્કનો મુદ્દો છેવટે વહીવટી ઘર્ષણમાં આવી ગયો છે. આ બંને બાબતોને કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી બગીચાની સેવાઓ અધ્ધરતાલ થઇ છે. છેવટે ભાજપના નગરસેવકો ધરણાં ઉપર બેસી જતાં બગીચાની સેવા બાબતે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં બગીચો છેલ્લા કેટલાય મહિનાઓથી અવાર-નવાર મિડીયામાં સ્થાન મેળવી રહ્યો છે. આ તમામ બાબતો વચ્ચે સૌથી મોટી ખેંચતાણ બગીચાને ભરયુવાનીએ ખોખલો કરી રહી છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર, રાજ્ય અને ખુદ ડીસા પાલિકાએ મળીને બગીચાનો વિકાસ કર્યો છે. મહાનગર પાલિકાના બગીચાને પણ ટક્કર આપે તેવી સુવિધાઓ ડીસા રહીશોને મળે તે દરમ્યાન મોટો ઘટસ્ફોટ થઇ ગયો હતો. વિકાસ થયેલ બગીચાની જગ્યા બાબતે માલિકી હક્ક સિધ્ધ ન થતો હોવાનું બ્રહ્મજ્ઞાન થતાં જ વિકાસ ખોવાઇ ગયો છે.

સરેરાશ ૭ વીઘામાં ફેલાયેલા બગીચાનો મામલો કોઇ કારણસર કલેક્ટર સમક્ષ ગયો છે. જેમાં આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી સ્ટે અપાયો છે. જમીનની માલિકી રાજ્ય સરકારની છે કે પાલિકાની ? તે બાબત વર્ષો બાદ વિવાદો વચ્ચે કેમ આવી તે મોટો સવાલ છે. ડીસા પાલિકામાં સત્તાધિન ભાજપી નગરસેવકો બગીચાની જમીન રાજ્યમાં સત્તાધિન ભાજપ સરકારની હોય તો લઇ શકે ખરા ? આ બાબતે જમીનની માલિકીનો મુદ્દો અનેક બાબતો વિચારવા મંથન કરાવી રહ્યો છે.

ડીસા પાલિકામાં ભાજપની સત્તા છતાં ચોક્કસ બાબતોને લઇ વિચારભેદ ચાલી રહ્યો છે. જેમાં આજે ધરણાં પર બેઠેલાં ભાજપી નગરસેવકો ઝડપથી બગીચાની સેવાઓ નગરજનોને મળે તે માટે લડત આપી રહ્યા છે. જ્યારે અન્ય ભાજપી નગરસેવકો બગીચાની જમીન માલિકી સિધ્ધ ન થાય ત્યાં સુધી કોઇ લડતમાં નથી. જો પાલિકા, વિધાનસભા અને રાજ્યમાં ભાજપની સરકાર છે તો બગીચાનો વિકાસ કેમ રૂંધાઇ રહ્યો છે ?

ડીસા પાલિકાના વિસ્તારના બગીચાની માલિકી રાજ્ય સરકારની હોઇ જે-તે વખતે કરેલ નિર્ણય અયોગ્ય હોવાની દલીલ છે. આથી નિયમોનુસાર જંત્રી ભરી પાલિકા બગીચાની સેવાઓ યથાવત કરે તો જ રહીશોને તેનો લાભ મળી શકે, એવી દલીલ પણ સામે આવી છે.

સ્માર્ટ સીટી હેઠળ બગીચાનો વિકાસ કર્યા દરમ્યાન સંબંધિત ઓથોરીટી સમક્ષ નકલ રવાના કરી અનેક બાબતોએ અભિપ્રાય મેળવેલ છે. તો હવે અચાનક બગીચાની જમીનમાં માલિકી હક્કનો મુદ્દો ઉભો કરી વિષયને વહીવટી લડતમાં લઇ જવામાં આવ્યો છે. આ દલીલ બગીચો ઝડપથી શરૂ થાય તે માટે જણાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.