ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા રોગચાળો ફાટી નીકળવાની દહેશત : સફાઈ પાછળ રૂ.62 લાખનો ખર્ચ
નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષમાં સફાઈ માટે 62 લાખથી વધુનો ખર્ચ કરવા છતાં શહેર ગંદગીથી ખદબદી રહ્યું છે: ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં નવા બસ સ્ટેન્ડ સામે બનાસ બેંક આગળ, રેલવે પુલની નીચે સીડીઓ જવાના રસ્તા ઉપર સહિત વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા દેખાય છે. ચોમાસુ હજુ શરૂ થયું છે ત્યાં તો શહેરમાં ગટરોની સફાઈના અભાવે ગટરો ઉભરાઈ રહી છે. આ બાબતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પોપટલાલ જોશીએ જણાવેલ કે ધાનેરામાં નગરપાલિકાએ સફાઈ બાબતે વર્ષ 2022 -23 દરમિયાન 61 લાખ 43,767 તથા વર્ષ 2023-24 દરમિયાન 62,57,0 70 રૂપિયા ખર્ચ થયેલ છે જેમાં એક ડોર ટુ ડોરમાં ત્રણ ટ્રેક્ટર બે છોટાહાથી દ્વારા 8 કર્મચારી 64 રોજમદાર કામદાર છે.
જ્યારે નગરપાલિકા દ્વારા કોઈ કોન્ટ્રાક્ટ આપેલ નથી હાલ આઉટ સોર્શીગથી કોઈ કર્મચારી પણ રાખેલ નથી પરંતુ ડોર ટુ ડોર કચરા માટેના 3 ટ્રેક્ટરો અને 2 છોટાહાથીમાં વર્ષ 2022-23 માં 26 લાખ 85 હજાર રૂપિયાનું ડીઝલ ખર્ચ થયેલ છે. અમે વર્ષ 2023-24 માં રૂ.3907304 નો ડીઝલ ખર્ચ થયેલ છે. જો આટલો બધો ખર્ચ કરવા છતાં પણ શહેરમાં સફાઈ નથી જોવા મળી રહી ત્યારે પાલિકા દ્વારા કરવામાં આવેલા આટલા ખર્ચ પર પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.
કારણ કે ડોર ટુ ડોર કચરો લેવા માટેના માત્ર 3 ટ્રેક્ટર અને 2 છોટા હાથી મળી કુલ પાંચ વાહનોમાં વાર્ષિક રૂ.39 લાખથી વધુનો ડીઝલ ખર્ચ કરવામાં આવ્યો છે. તેના પર પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આટલો ડીઝલ ખર્ચ થઈ શકે?? અહીં રજૂ કરવામાં આવેલી તમામ માહિતી પોપટલાલ જોશી દ્વારા માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવતા પાલિકા દ્વારા લેખિતમાં આપવામાં આવેલી માહિતી મુજબ છે ત્યારે નગરજનો આ તમામ ખર્ચઓનો આંકડાકીય હિસાબ કરશે તો નગરપાલિકા શું કરી રહી છે ? તેનો ખ્યાલ આવી જશે.
પાલિકાના દ્વારા આપવામાં આવેલી ડીઝલ ખર્ચની વિગત મુજબ વાર્ષિક રૂ.26,85000 નો ડીઝલ ખર્ચ થાય છે.જેમાં 5 વાહનોના ડીઝલ ખર્ચનો આંકડાકીય હિસાબ મેળવીયે તો 1 દિવસમાં 5 વાહનોમાં રૂ.10,704 નું ડીઝલ વપરાય છે જે મુજબ જો એક વાહન 1 લીટર ડિઝલમાં 15 કિ.મી. ચાલે તો ડીઝલના ભાવ રૂ.100 ની અંદર હોવા મુજબ 5 વાહનો 1 દિવસમાં 1500 કી.મી. થી પણ વધુ વિસ્તારમાં પરિવહન કરી શકે તો શું ધાનેરા શહેરમાં 1 જ દિવસમાં કચરા માટેના 5 વાહનો મળી કુલ 1500 કી. મી.થી વધુ વિસ્તારમાં કચરો લેવા પરિવહ કરે છે ? એ મોટો પ્રશ્ન બની રહ્યો છે.