પાલનપુરના ગોબરી રોડ રેલવે ઓવર બ્રિજ પર પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાં
કરોડોના ખર્ચે બનેલ બ્રિજની મજબૂતાઈની ખરાઈ કરી તાકીદે ગાબડા પુરવા વાહન ચાલકોની માંગ, ગાબડાં પડતા ભ્રષ્ટાચારની પોલ છતી થઈ હોવાની રાવ, પાલનપુર નજીક ગોબરી રોડ પર કરોડોના ખર્ચે બનેલા રેલવે ઓવર બ્રિજ ઉપર ટૂંક સમયમાં જ ડામર રોડ પરથી મેટલ નીકળી જતા રોડનું ધોવાણ થઈ જવાની સાથે ગાબડા પડતા ભ્રષ્ટાચારની પોલ છતી થઈ હોવાની બુમરાણ મચી છે.
સરકાર વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી વિકાસના કામોમાં ધુપ્પલ બાજી ચલાવી ભ્રષ્ટાચાર આચરી સ્વયંનો વિકાસ સાધવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે પાલનપુરના ગોબરી રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રેલવે ઓવર બ્રિજ પર ટૂંક સમયમાં જ ગેરરીતિ ના ગાબડાં પડી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે. આ રેલવે ઓવર બ્રિજ પર ટૂંક સમયમાં જ રોડ ધોવાઈ જવાની સાથે ગાબડાં પડતા આ રોડની મજબૂતાઈ અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર બાબતે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
વળી, રાત- દિવસ અસંખ્ય વાહન ચાલકો આ રોડ ઉપરથી પસાર થતા હોઇ વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે. જે બાબતે લાગતા વળગતા તંત્ર એ આ બ્રિજની સરપ્રાઈઝ મુલાકાત કરી તેની મજબૂતાઈની ખરાઈ કરી તાકીદે ગાબડા પુરી સમારકામ હાથ ધરવા વાહન ચાલકોની માંગ ઉઠી છે.