ડીસામાં અમેરિકન ડોલર વટાવવાના બહાને ઠગાઈ કરવા આવતા ઊંઝા- મહેસાણાના ચાર શખ્સો ઝડપાયા
ચૂંટણીના ચેકિંગ દરમિયાન ડીસા રૂરલ પોલીસના હાથે ઝડપાયા: ડીસામાં અમેરિકન ડોલર વટાવવાના બહાને ઠગાઈ કરવા આવતા ઊંઝા- મહેસાણાના ચાર શખ્સોને ડીસા તાલુકા પોલીસે ચૂંટણી ચેકિંગ દરમિયાન ઝડપી લીધા છે. ચારેય શખ્સો રૂપિયા દસ લાખ અમેરિકન ડોલર જે બંધ થઈ ગયેલ છે તે એક રીક્ષા ચાલકને ભોળવી તેના સંબંધી પાસેથી વટાવી ભારતીય નાણું લઇ ઠગાઈ કરવાની ફિરાકમાં હતા.પણ પોલીસે ઝડપી લીધા હતા.
આ અંગેની વિગત એવી છે કે ,મૂળ ઊંઝા તાલુકાના સિંહી ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા બાબુલાલ રતિલાલ વાલ્મિકીને આજથી ચારેક દિવસ પહેલા તેઓના ગામના અલ્પેશભાઈ વિષ્ણુભાઈ પટેલે ફોન કરી જણાવેલ કે તેઓની પાસે અમેરિકન ડોલર છે જે વટાવવાના છે.જેથી બાબુભાઈએ ડીસા ખાતે તેઓના ઓળખીતા જે. ડી. પટેલ ને વાત કરતા તેઓએ ડીસા ખાતે રૂબરૂ મળવા બોલાવેલા હતા. જેથી અલ્પેશભાઈ પટેલ તેમજ તેમની સાથે હાર્દિક કમલેશભાઈ પટેલ (રહે. જગુદણ, તા.મહેસાણા), પિયુષ દશરથભાઈ પ્રજાપતિ (રહે. જગુદણ,તા.મહેસાણા) તેમજ દેવેન્દ્રસિંહ મ્હોબતસિંહ ઝાલા (રહે. ભેસાણા, તા. મહેસાણા) ચારેય જણા બાબુભાઈની સાથે ડીસા આવવા નીકળેલા હતા.
જેમાં અલ્પેશ પટેલે બાબુભાઈને 10,00,000 ની અમેરિકન ડોલરની નોટ બતાવેલી હતી. જે તેમના પરિચિત જે.ડી. પટેલને મળી વટાવવાની હતી.
ચારેય જણા ડીસા આવતા હતા ત્યારે લોકસભાની ચૂંટણી અંતર્ગત ડીસા તાલુકા પોલીસ દ્વારા ભોયણ અને રસાણા વચ્ચે ચાલી રહેલા ચેકિંગમાં તેઓની ગાડી ચેક કરતા તેમાંથી છરી મળી આવી હતી. જેથી પોલીસ તેઓને તાલુકા પોલીસ મથકે લાવતા તેમજ અંગ ઝડતી કરતા અલ્પેશ પાસેથી દસ લાખ અમેરિકન ડોલરની નોટ મળી હતી.જે નોટ હાલમાં બંધ થઈ ગયેલ હતી.
જેથી આ ચારેય શખ્સો આ બંધ થયેલી નોટ બાબુભાઈના સંબંધી પાસેથી વટાવીને ઠગાઈ કરવા માંગતા હતા તેવું જાણવા મળતા બાબુભાઈએ ચારેય શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.