તુર્કીમાં કિરેનીયા નજીક બે કાર સામસામે ટકરાતા વડગામની યુવતી સહિત ચાર ગુજરાતીના નિધન
તુર્કીમાં કિરેનીયા નજીક બે કાર ટકરાતા ચાર ગુજરાતીના માગૅ અકસ્માતમાં નિધન થયા હતાં. આ અંગે મળતી માહિતી અનુસાર તુર્કી દેશમાં અભ્યાસ કર્યા બાદ હોટલનું મેનેજમેન્ટ કરતી વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામની એક યુવતી રજાના કારણે તેના ગુજરાતી મિત્રો સાથે ફરવા નીકળી હતી. દરમિયાન તેમની અને સામેથી આવતી કાર સામ સામે ધડાકાભેર ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાંગરોડીયાની યુવતી સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. મૃતકોમાં ૧ પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા, ૨ જયેશ કેશુભાઈ અગાથ, ૩ અંજલી કનુભાઈ મકવાણા, ૪ પુષ્ટિબેન હીનાબેન પાઠકનો સમાવેશ થાય છે. વડગામ તાલુકાના ભોગરોડિયા ગામની અંજલીબેન કનુભાઈ મકવાણા નામની ૨૧ વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી. અને એમ.એલ.ટી.નો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલનું મેનેજમેન્ટ કરવાની નોકરી કરતી હતી જોકે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોય તેના ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા. દરમ્યાન કિરેનિયા નજીક હાઇવે પર તેમની અને સામેથી પૂરઝડપે આવેલી કાર સામ સામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો .જેમાં કારમાં સવાર ભાંગરોડીયાની અંજલિ કનુભાઈ મકવાણા સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા. જોકે વિદેશની ધરતી પર ભાંગરોડીયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવાર જનો આઘાતમાં ગરકાવ થઈ જવા પામ્યા છે, અને અંજલિનો મૃતદેહ પરિવારને વહેલી તકે મળે તેની પરિવાર જનો દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.