ફૂડ વિભાગની તવાઈથી ભેળસેળીયા તત્વોમાં ફફડાટ : ડીસામાં ફરી શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત
શંકાસ્પદ ઘી બાદ 2368 કીલો તેલનો જથ્થો સિઝ કર્યો; બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાં ફૂડ વિભાગની ટીમે મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યા બાદ ગત મોડી રાત્રે એક ઓઇલ મીલમાં રેડ કરી રૂપિયા 2.38 લાખની કિંમતનો 2368 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ફુડ સેફટી પખવાડિયા અંતર્ગત ચાલી રહેલી ડ્રાઇવમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા, ટ્રેડિંગ કરતા અને વેચતા એકમો તેમજ દુકાનો પર મોટી માત્રામાં ચેકિંગ હાથ ધરી અનેક જગ્યાએથી શંકાસ્પદ તેમજ ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો જપ્ત કર્યા છે. જેમાં ફૂડ વિભાગે ડીસામાંથી મીઠો માવો, તેલ, ઘી, મરચું, હળદર, આટો, મેંદો સહિત ખાદ્ય પદાર્થોના સેમ્પલો લઈ શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે. તેમજ અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કર્યો છે.
ડીસામાં બુધવારે રિસાલા બજાર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા સિયા માર્કેટિંગ નામના ઘીના ગોડાઉનમાં રેડ કરી 300 ઉપરાંત ડબ્બા ઘીના તેમજ વેજ ફેટના જપ્ત કર્યા હતા. જ્યારે મોડી રાત્રે ડીસા જીઆઇડી વિસ્તારમાં રેલ્વે ફાટક નજીક આવેલી અણઘડેશ્વર ઓઇલ મિલમાં રેડ કરતા તેલનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો. જેથી જુદા જુદા પેકિંગમાં 2368 કિલો તેલનો જથ્થો (કિંમત રૂપિયા 2.38 લાખ) નો સીઝ કર્યો હતો.દિવાળી ટાણે ફૂડ વિભાગની તવાઈથી ભેળસેળીયા તત્વો ફફડી ઉઠ્યા છે.
દંડકીય કાર્યવાહી કરાશે : અધિકારી આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી. એચ. પટેલે જણાવ્યું હતું કે, ડીસામાં સિયા માર્કેટિંગ અને અણધડેશ્વર ઓઇલ મીલમાં રેડ કરતા ઘી અને તેલનો જથ્થો શંકાસ્પદ જણાતા તેને સીઝ કરવામાં આવ્યો છે.અને તેના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ દંડકીય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Tags Department FOOD OIL quantity