ડીસાની મામલતદાર કચેરીમાં ચાલતા ફોલ્ડર રાજ
ડીસાની મામલતદાર કચેરીમાં ચાલતા ફોલ્ડર રાજમાં અનેક અરજદારો લૂંટાઈ રહ્યા છે
ફોમથી લઈ ફોર્મ ભરવાના નામે રૂ.૫૦ થી લઈ ૨૦૦ સુધી અરજદારો પાસેથી ફોલ્ડરો વસૂલ કરે છે
સરકારની વિવિધ યોજનાઓ જેવી રાશનકાર્ડ, આધારકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો જેવા કામકાજ માટે અરજદારો ડીસાની મામલતદાર કચેરીમાં આવતા હોય છે. પરંતુ સરકારના નિયમો મુજબ અરજદારોને કોઈપણ જાતની સુવિધાઓ મળતી નથી અરજદારો ફોનથી લઈ ફોર્મ ભરવાના તેમજ કોઈપણ કામ કરાવવા માટે મામલતદાર કચેરીની બહાર બેસેલા ફોલ્ડરોને પૈસા આપીને પોતાનું કામ કરાવે છે. જેના લીધે સરકારની યોજનાઓ ના નામે ફોલ્ડરો ખુલ્લેઆમ અરજદારોને લૂંટી રહ્યા છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિવિધ મામલતદાર કચેરીઓની અંદર અરજદારોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. કચેરીમાં બેઠેલા કેટલાક કર્મચારીઓની મિલીભગતથી તેમના મળતીયાઓ અરજદારોને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. મામલતદાર કચેરીની અંદર રેશનકાર્ડ, આધારકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો જેવી અનેક સરકારની યોજનાઓ અને ડોક્યુમેન્ટમાં નામમાં સુધારો કરવો નામ ઉમેરવા ભૂલ સુધારવી જેવી તમામ બાબતો માટે સરકાર દ્વારા જે તે કચેરીમાંથી ફોર્મની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાની અનેક કચોરીઓમાંથી અરજદારોને ફોર્મ મળતા નથી. જેના લીધે ન છૂટકે અરજદારોને મામલતદાર કચેરીની બહાર આવેલી ઝેરોક્ષની દુકાનોમાંથી પાંચ થી દસ રૂપિયા આપીને આ ફોર્મની ખરીદી કરવી પડે છે.
આ ઉપરાંત અરજદારને ફોર્મ ભરવામાં ક્યાં મુશ્કેલી પડે તો જે તે કચેરીના કર્મચારીની ફરજ બને છે કે અરજદારને તે કહે કે આની અંદર આ લખવાનું છે પરંતુ એક પણ કચેરીની અંદર અરજદારોને કર્મચારીઓ દ્વારા કોઈપણ જાતની મદદ કરવામાં આવતી નથી. જેના લીધે નછૂટકે અરજદારો કચેરીની બહાર બેઠેલા કેટલાક મળતીયા પાસે ફોર્મ ભરાવી અને તેમને ૨૦૦ રૂપિયાથી લઈ રૂ.૧,૦૦૦ સુધીની રકમ ચૂકવતા હોય છે. ત્યારે સરકાર અરજદારોને આટલી મોટી સુવિધાઓ આપવાની વાતો કરે છે તે માત્ર કાગળ ઉપર જ છે હકીકતમાં તો અરજદારો ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે.
મામલતદાર કચેરીના પાર્કિંગ માં પણ મળતીયાઓએ પોતાના ટેવલો પાથરી દીધા: ડીસા શહેરની મામલતદાર કચેરી બહાર સરકાર દ્વારા પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને આ પાર્કિંગ સ્ટેન્ડમાં માત્ર ગાડીઓ પાર્કિંગ કરવા માટે છે. પરંતુ ત્યાં પણ કેટલાક મળતીયાઓએ પોતાના ટેબલ પાથરીને બેસી જાય છે અને ખુલ્લેઆમ સરકારની વિવિધ યોજનાઓ અને ડોક્યુમેન્ટમાં સુધારા વધારો કરવાના નામે અરજદારોને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. ત્યારે તેમની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
તપાસ કરી કાર્યવાહી કરાશે મામલતદાર : આ સમગ્ર મામલે ડીસા શહેર મામલતદારને પૂછતા મામલતદાર એચ.એમ.પટેલે જણાવ્યું હતું કે હું નવો આવ્યો છું આ અંગે મને કંઈ ખબર નથી. પરંતુ આ મામલે તપાસ કરી જે પણ વ્યક્તિ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે?