લાખણી તાલુકામાં પાછોતરા ભારે વરસાદથી મગફળીના ભાવો તળીયે પહોંચી જતા ખેડૂતોની દિવાળી બગડી
લાભ પાંચમે સરકાર વેપારીઓની મગફળી ખરીદશે ??
મગફળીના ભાવો તળીયે પહોંચી જતા ખેડૂતોની દિવાળી બગડી
લાખણી તાલુકામાં પાછોતરો પણ ભારે વરસાદ થતાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઉપરથી માર્કેટયાર્ડમાં ખેડૂતોને મગફળીના પૂરતા ભાવો પણ ન મળતા ખેડૂતોની દિવાળી બગડી છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે તેમાં પણ પાછોતરા વરસાદે પાયમાલી સર્જી છે. કારણ મગફળી સહિતના બાજરી જુવાર શાકભાજી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. તેમાં પણ મગફળીની નુકસાન થતાં માર્કેટયાર્ડમાં ભાવ પણ મળતા નથી. ખેડૂતોની દિવાળી બગડી ગઈ છે.
આ બાબતે ખેડૂતોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે એક બાજુ વરસાદથી મગફળીને નુકસાન થયું છે બીજી બાજુ ભાવો પણ તળિયે પહોંચી જતા ખેડૂતો માટે પડતા ઉપર પાટુ પુરવાર થયું છે. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું લાભ પાંચમથી નક્કી કર્યું છે પણ શિયાળુ સીઝનના વાવેતર માટે રૂપિયાની જરૂર હોઈ હાલ 50 ટકા ખેડૂતોની મગફળી વેચાઈ ગઈ છે અને લાભ પાંચમ સુધીમાં તો તમામ મગફળી ખેડૂતો વેચી દેશે. તો પછી લાભ પાંચમે સરકાર વ્યાપારીઓની જ મગફળી ટેકાના ભાવે ખરીદશે તેવો વેધક કટાક્ષ પણ કર્યો હતો.