ડીસા માર્કેટયાર્ડમા ટેકાના ભાવની બાજરી બારોબાર : મીલીભગત થકી ટેકાના ભાવે વેચાતી હોવાનો ખેડૂતોનો આરોપ
કૌભાંડ : ડીસા માર્કેટયાર્ડમા ટેકાના ભાવની બાજરી બારોબાર, બનાસકાંઠા ક્લેકટર દ્વારા તપાસના આદેશ અપાતા તપાસ હાથ ધરાઈ: બનાસકાંઠાના ડીસામાં ખેડૂતોએ બાજરીનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો આરોપ માર્કેટયાર્ડ અને ડિરેક્ટરો પર લગાવતા હાલમાં આ બાબતે અનેક ચર્ચાઓએ વેગ પકડયો છે ખેડૂતોનો આરોપ છે કે સસ્તી બાજરી લઈને ટેકાના ભાવમાં વેચવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોના નામે કાળી કમાણી કરવાનો ગોરખધંધો લોકોના પ્રતિનિધિઓ આચરી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાં નામના ધરાવતા ડીસા અનાજ માર્કેટમાં ખેડૂતોના નામે કાળી કમાણીનો આરોપ લાગતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચ્યો છે સરકાર જે ખેડૂતોને મદદ કરી આર્થિક સુખી કરવાના પ્રયાસ કરી કરોડો રૂપિયા ખેડૂતોના નામે સહાય આપી રહી છે તે સહાય ચાંઉ કરવાની ગંધ ડીસા માર્કેટ યાર્ડમાં ઊઠવા પામી છે અહીં ખેડૂતોનો આરોપ છે કે માર્કેટ યાર્ડના કેટલાક ડિરેકટર આ કાળા કારોબારમાં કમાણી કરવાની લાઇનમાં છે અને એમના આશીર્વાદ થકી મોટા પ્રમાણમાં ખેડૂતોના ભાગનો નિવાળો છીનવવા કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ખરેખર ખેડૂતોનો આરોપ સાચો પુરવાર થાય તો કેટલી સરમજનક બાબત કહી શકાય જે લોકો ખેડૂતોના પ્રતિનિધિ થઇ માર્કેટ યાર્ડની સત્તામાં પહોંચ્યા તેજ ખેડૂતોના હકનું પચાવી પાડવામા લાગ્યા છે. ખેડૂતોના આરોપ બાદ હવે તપાસના આદેશ કરાયાં છે અને અલગ અલગ ટીમો તપાસ કામે લાગી છે.
સસ્તી બાજરી ખરીદી ટેકાના ભાવે વેચવાનો આરોપ: ખેડૂતોનો આરોપ છે કે ડીસા યાર્ડમાં રાજસ્થાન થી સસ્તી બાજરી ખરીદી કરી અહીં ટેકાના ભાવે વેચવાનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે જેમાં કેટલાક ડિરેકટરો સામેલ છે.
સરકારના ભાવ કરતાં 160થી135 ના તફાવતનો આક્ષેપ: સરકાર દ્વારા ટેકાનો ભાવ બાજરી માટે પ્રતિમણ રૂ.૫૬૦ જાહેર કરવામાં આવ્યો છે. જેની ખરીદી રાજ્યનું અન્ન અને પુરવઠા નિગમ કરે છે. જોકે બજારમાં આ ભાવ વર્તમાનમાં રૂ.૪૦૦ થી ૪૨૫ની આસપાસનો છે. આમ સસ્તી બાજરીને ટેકાના ભાવે વેચવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે.
બનાસકાંઠા કલેક્ટર દ્વારા ખરીદી બાબતે તપાસનો આદેશ: સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગુરુવારના દિવસે તપાસ કરવા આદેશ થયો જેમાં ડીસા ગ્રામીણ મામલતદાર અને ડીસા શહેર મામલતદાર ને તપાસ કરવા આદેશ થયો હતો.
ખેડૂતોના નામે કરતૂત કરતા ડિરેક્ટર કોણ અને ખેડૂતોના નામે કેટલી કમાણી કરવામાં આવી?: ખેડૂતોના આરોપ પ્રમાણે ડિરેકટરો કૌભાંડ મામલે ભેગા છે તો એ કોણ છે અને કયા વેપારીઓ કઈ પેઢીઓ ના નામે કૌભાંડ કરવામાં આવ્યું છે ખરેખર આ બધી બાબતે ઊંડી તપાસ થાય તો ખેડૂતોને પણ સાચી ખબર પડે કે એમના આગેવાન માર્કેટ યાર્ડના નામે પોતાના કેવા મોંઘા રોટલા શેકે છે.