અમીરગઢ તાલુકામાં પણ ધીમી ગતિએ કોરોનાનો પગપેસારો
રખેવાળ ન્યુઝ ઇકબાલગઢ, પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પણ કોરોનાનો ધીમી ગતિએ પગ પેસારો થઇ જવા પામ્યો છે. જેમાં ધારાસભ્ય કાંતિ ખરાડીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે વેપારી મથક ઇકબાલગઢમાં પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની મહામારીને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અનલોક બાદ કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાવા પામ્યો છે. જેમાં દરરોજ કોરાનાના સંખ્યાબંધ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે અમીરગઢ તાલુકામાં પણ કોરોનાએ ધીમી ગતિએ પગપેસારો કરી દીધો છે. ગતરોજ દાંતા અમીરગઢ વિસ્તારના ધારાસભ્ય કાંતીને ખરાડીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે વેપારી મથક ઇકબાલગઢમાં પણ કરવાનો એક પોઝિટિવ કેસ સામે આવતાં ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અમીરગઢ તાલુકામાં બીજો કેસ નોંધાતા વેપારી અને સરપંચો દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને અમીરગઢ આરોગ્ય વિભાગની ટીમે પણ ઇકબાલગઢની મુલાકાત લઇ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.