અંબાજીમાં પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આજરોજ શક્તિપીઠ અંબાજી ખાતે વનસેતુ ચેતના યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઉમરગામથી અંબાજી સુધીની વનસેતુ ચેતના યાત્રા આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચતા હડાદ ખાતે યાત્રાનું સ્થાનિક તંત્ર અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે વનસેતુ ચેતના યાત્રાનો સ્વાગત સમાપન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા ખાતે થઈ રહેલા પ્રભુ શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર અંબાજી રામમય બની જવા પામ્યું હતું. આજથી દેશમાં રામ રાજ્યનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે એમ જણાવતાં રાજયકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ઉપસ્થિત જનમેદનીને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વનસેતુ ચેતના યાત્રા અંતર્ગત અનેક લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે જાગૃત બન્યા હોવાનું જણાવી ઉંમર ગામથી અંબાજી સુધીની યાત્રાની ફલશ્રુતિ જણાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વનવાસીઓની વેદના અનુભવી છે.


ગરીબોના કલ્યાણ માટે સતત ચિંતન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી વનબંધુઓના વિકાસ માટે વનબધું વિકાસ યાત્રાનો અંબાજીથી ઉમરગામ પ્રારંભ કરાવ્યો હતો. તો વનસેતુ ચેતના યાત્રાનો ઉંમર ગામ થી અંબાજી સુધી પ્રારંભ કરાવી સમગ્ર આદિવાસી વિસ્તારમાં સરકારી યોજનાના લાભ મળે એવુ કામ કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ જેવી અનેક યોજનાઓથી આદિવાસીઓના જીવનમાં નવી શરૂઆત થઈ છે.તેમણે જણાવ્યું કે, આદિજાતિના કલ્યાણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બજેટમાં 24 હજાર કરોડની ફાળવણી કરી વનબંધુઓના વિકાસ માટે જનકલ્યાણની અનેક યોજનાઓ શરૂ કરાવી છે. જેનો લાભ દેશભરના આદિવાસી વનબંધુઓ મળ્યો છે. વનસેતુ ચેતના યાત્રા એ એક મનમેળ માટે, એક નવી ચેતના માટે શરૂ કરવામાં આવી હતી એમ જણાવી યાત્રાનું સમાપન આજે શક્તિપીઠ અંબાજી ખાતે થાય છે એની ખુશી વ્યક્ત કરી હતી.આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબત પટેલે જણાવ્યું કે, આજનો દિવસ સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે યોજાઈ રહ્યો છે ત્યારે આખો દેશ રામમય બન્યો છે. અયોધ્યામાં રામ મંદિરનું કરોડો દેશવાસીઓનું સ્વપ્ન પૂર્ણ કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. વનસેતુ ચેતના યાત્રા 14 જિલ્લામાં ફરી આજે મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચી છે. સમગ્ર યાત્રા દરમિયાન ઠેર-ઠેર આ યાત્રાને અદ્ભૂત આવકાર મળ્યો છે. આ યાત્રાથી વનબંધુઓ અને સરકાર વચ્ચે એક નવી ચેતનાનો સેતુ બંધાયો છે એમ જણાવી સૌને ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભેચ્છાઓ આપી હતી.કાર્યક્રમ અંતર્ગત આદિવાસી વનબધુંઓના સામાજિક શૈક્ષણિક વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરનાર સમાજસેવકો તેમજ કારસેવકોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષ ખેતી યોજનાના લાભાર્થીઓ, સમૂહ લગ્નમાં નોંધપાત્ર કામગીરી કરનાર સંસ્થાઓ, અન્ય વિકાસલક્ષી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણના ચેક આપવામાં આવ્યા હતા. જ્યારે મકાન સહાય, મંડપ ડેકોરેશન સહિતની યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.