લાખણી માર્કેટયાર્ડની ૧૪ બેઠક માટે ૨૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
બિનહરીફ ચૂંટણીની ચર્ચા પર પૂર્ણવિરામ, ભાજપ અને વિપક્ષની પેનલ આમને- સામને
ખેડૂત વિભાગની ૧૦ બેઠકમાં ૨૧ અને વેપારી વિભાગની ૪ બેઠકમાં ૬ ઉમેદવારો મેદાનમાં : ૧૭ સપ્ટેમ્બરે મતદાન
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણી માર્કેટયાર્ડની ચુંટણીમાં ૮૫ ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ આજે મંગળવારે ફોર્મ ૫રત ખેંચવાના છેલ્લા દિવસે ૨૭ ઉમેદવારો ચુંટણી જંગના મેદાનમાં રહ્યા છે. જેને લઈ બિનહરીફ માર્કેટયાર્ડ થવાની ચર્ચાઓ ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું છે.
ભાજપ દ્વારા ખેડૂત વિભાગની ૧૦ બેઠકો તેમજ વેપારી વિભાગની ૪ બેઠકો માટે મેન્ડેડ જાહેર કરવામાં આવતા ભાજપ સમર્થિત બાકીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધી હતા. જોકે વિપક્ષ દ્વારા પોતાના ઉમેદવારો મેદાનમાં રાખતા ભાજપ અને વિપક્ષ વચ્ચે દિલધડક ચુંટણીનો જંગ જામશે.માર્કેટયાર્ડના ડિરેક્ટરની ૧૪ બેઠકો માટે ૨૭ ઉમેદવારો વચ્ચે ૧૭ સપ્ટેમ્બરે મતદાન યોજાનાર છે અને ૧૮ સપ્ટેમ્બરે મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે લાખણી માર્કેટયાર્ડમાં સવારથી જ રાજકીય અને સામાજિક અગ્રણીઓનો ઘસારો જોવા મળ્યો હતો અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલુ થઈ હતી. અંતે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂરો થયા બાદ કુલ ૨૭ ફોર્મ રહ્યાં હતા. જેમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે કુલ ૨૧ ઉમેદવારો અને વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૬ ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાશે. જેને લઈ ચોમાસાની સિઝનમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
ઉમેદવારો દ્વારા પ્રચારના શ્રીગણેશ: ડીસા માર્કેટયાર્ડમાંથી વિભાજન બાદ નવા અસ્તિત્વમાં આવેલ લાખણી માર્કેટયાર્ડની પ્રથમ ચૂંટણીમાં બાબુભાઈ પાનકુટા ચેરમેન પદે ચૂંટાયા હતા.ત્યારબાદ બીજી ચૂંટણીમાં ચેરમેન પદે દેવજીભાઈ રબારી આરૂઢ થયા હતા.હવે વિવાદો બાદ ત્રીજી ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે તાલુકાની અગ્રણી સહકારી સંસ્થામાં જોડાવા અનેક આગેવાનો થનગની રહ્યા છે તેથી ચૂંટણી બિનહરીફ થઈ શકી નથી.અને હવે આજે ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ ઉમેદવારોએ પ્રચારના શ્રીગણેશ પણ કરી દીધા છે.