બનાસકાંઠામાં કચરાના ડોર ડોર ટુ કલેક્શન માટે ઈ-રિક્ષાની ફાળવણી કરાઈ
“સ્વભાવ-સ્વચ્છતા,સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી ૧૭ સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે ઈ-રિક્ષાની ફાળવણી કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત ગ્રામીણ અંતર્ગત કચરાના કલેક્શન માટે કુલ ૭૦ જેટલી ઈ- રિક્ષાની ફાળવણી કરાઈ છે. તમામ તાલુકા કક્ષાએ આ ઈ-રિક્ષા ફાળવવામાં આવી રહી છે. આ ઈ-રિક્ષા થકી વિવિધ ગ્રામ પંચાયતો ખાતેથી ઘન કચરાને એકઠો કરીને નિકાલ કરવામાં આવશે. આપણું ઘર, શેરીઓ અને ગામ તથા શહેરને સ્વચ્છ બનાવવાની સૌની ફરજ છે. કચરો કચરા પેટીમાં નાખીએ, કચરાનો યોગ્ય નિકાલ કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીએ તે માટે તંત્ર તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે.