કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર ફર્યા પાણી
રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેનાં કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે. સમગ્ર જિલ્લામાં ખેડૂતોએ શિયાળના પાકની વાવણી કરી છે. જેમાં માવઠું થતાં પાકને નુકસાન થયું છે. વરસાદનાં લીધે ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. તેઓ સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યાં છે.
વરસાદથી પાકને નુકસાન થતાં ખેડૂતોની સહાય માટે MLA એ માંગણી કરી છે. તેમાં ધ્રાંગધ્રાના MLA પ્રકાશ વરમોરાએ પોતાના વિસ્તારમાં બાગાયત ખેતીમાં નુકસાનની સરકારમાં રજૂઆત કરી છે. અધિકારીઓને નુકસાનીનો સરવે કરી આંકડા આપવા જણાવ્યું છે. ક્યા પાકમાં કેટલું નુકસાન તેની વિગતો MLA સરકારને આપશે. કમોસમી વરસાદે પાલનપુરનાં કેટલાંક ગામોમાં વરસાદે તારાજી સર્જી છે. મલાણા ગામમાં ખેતરોમાં પાણી ભરાતાં ખેતરો બેટમાં ફેરવાયા છે. તથા વરિયાળી અને એરંડાના પાકને નુકશાન થયુ છે.
જૂનાગઢમાં પણ માવઠાનાં કારણે અનેક પાકોમાં નુકસાન થયું છે. માખિયાલા ગામમાં માવઠાનાં કારણે ઘઉ, જીરું, રાયડો, તુવેર, વરિયાળી અને એરંડાના પાકને નુકશાન થયુ છે.