મોંઘવારી અને મંદીના કારણે લોકોનો દિવાળી ઉજવવાનો ઓસરતો જતો ઉત્સાહ

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકોની ખરીદ શક્તિ ઘટી જતાં ‘સ્ટોક’ કરી બેઠેલા વેપારીઓ મૂંઝાયા

દિવાળીના પર્વ ટાણે પણ જિલ્લાની બજારોનો નીરસ માહોલ

દિવાળીના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધૂમ ખરીદીની આશાએ વેપારીઓ ‘સ્ટોક’ કરી બેઠા છે પરંતુ મોંઘવારી અને મંદીના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. તેથી શહેરની બજારો લાખેણા પર્વ ટાણે પણ શુષ્ક અને નિરસ ભાસી રહી છે.

દિવાળીનો તહેવાર તમામ તહેવારોનો સરતાજ ગણાય છે. વાઘ બારસથી માંડી લાભ પાંચમ સુધી આ તહેવાર ઉજવાય છે. તેથી ધંધાર્થે બહાર રહેતા લોકો પણ દિવાળી મનાવવા માદરે વતન અચૂક આવે છે અને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા મોકળા મને ખરીદી કરી દેવ દર્શન કે યાત્રા પ્રવાસની પણ મોજ માણે છે. જેથી દિવાળીની બમ્પર ખરીદીને લઇ વેપારીઓએ માલનો ભરાવો કરી દીધો છે એટલું જ નહીં, ડિસ્કાઉન્ટ અને સેલ સાથે દુકાનો આકર્ષક રોશનીથી શણગારી છે પરંતુ મોંઘવારી અને મંદીના કારણે હજુ સુધી ઘરાકી નીકળી નથી.જીલ્લાનું અર્થતંત્ર ખેતી ઉપર આધારીત છે.

પરંતુ આ વખતે વારંવાર હવામાન પલટાએ ખેડૂતોને પરેશાન કરી દીધા છે.જ્યારે શાળા- કોલેજોમાં હાલ પરીક્ષા ચાલી રહી છે તેમજ સરકારી કર્મચારીઓને હજુ સુધી બોનસ ચૂકવાયું નથી.એ સિવાય મોંઘવારીના મારથી બેવડ વળી ગયેલી પ્રજાનો તહેવાર ઉજવણીનો ઉત્સાહ સતત ઘટતો જાય છે તેથી પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીનો ઉત્સાહ પણ ઝંખવાઈ ગયો છે.

વેપારીઓને છેલ્લી ઘડીએ ઘરાકીની આશા અકબંધ: બનાસ વાસીઓ ઉત્સવ ઘેલા છે. તેથી મોંઘવારી અને મંદી વચ્ચે પણ છેલ્લી ઘડીએ દિવાળીની ગજા પ્રમાણેની ખરીદી કરશે તે નક્કી છે. તેથી છેલ્લી ઘડીએ ગ્રાહકોનો ધસારો વધી પડતા બજારોની રોનક ફરી ખીલી ઉઠશે તેવી વેપારીઓ આશા રાખી હાલ નવરા બેઠા છે.

પાછોતરા વરસાદથી નુકશાન: બનાસકાંઠા જિલ્લાનું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર છે. આ વખતે સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટાપાયે ચોમાસુ સિઝનનું વાવેતર કર્યું હતું પણ એકમાત્ર લાખણીને બાદ કરતાં અન્ય તમામ તાલુકામાં ઓછો વરસાદ થયો છે. અધૂરામાં પૂરું,પાછોતરો વરસાદ થતાં બાજરી, જુવાર, કઠોળ, શાકભાજી જેવા પાકોને નુકશાન થયું છે. જેની બજાર ઉપર અસર વર્તાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.