વરસાદને પગલે થાવરથી જડીયા તરફનો માર્ગ એક તરફથી ધોવાતાં વાહન ચાલકોને ભારે હાલાકી
ભારે વરસાદને પગલે થાવરથી જડીયા તરફનો માર્ગ એક તરફથી ધોવાતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તેમજ ખેડૂતોના ખેતરો વરસાદી પાણીથી ભરેલા નજરે પડ્યા હતા. ધાનેરા પંથકમાં મંગળવારની મોડી રાત્રે એકાએક ભારે વરસાદ પડ્યો હતો. જેમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતાં ધાનેરા તાલુકાના થાવર ગામ થી જડીયા ગામ તરફ જતો પાકો ડામર માર્ગ જે રાજસ્થાન રાજ્યનાં રાણીવાડા શહેરને જોડતો મુખ્ય માર્ગ છે.
જે માર્ગ થાવર નજીક આવેલ મામાજી ગોલીયા શાળા નજીક એક તરફથી ધોવાઈ ગયો છે. વરસાદી પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડામર રસ્તા નજીક આવેલા તળાવમાં વરસાદી પાણી જતાં ડામર રસ્તો ધોવાઈ રહ્યો છે. જે મામલે ધાનેરા માર્ગ મકાન વિભાગના અધિકારીને જાણ કરતા તેઓએ ડામર રસ્તાની બાજુમાં માટીથી પુરણ કરવા માટેની કામગીરી હાથ ધરી છે. ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં મેઘ મહેર થઇ છે. પાણીના વહેણમાં પણ પાણી વહેતું થયું છે. જેમાં સામરવાડા તથા સરાલના વાડામાં પણ પાણી આવ્યું હતું.હવે ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા છે.
Tags Banaskantha Deesa Dhanera diyodar