પાલનપુરની બજારોમાં ભારે ભીડ થતાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ
શહેરના મુખ્ય માર્ગો ઉપર લારી અને ગલ્લા ધારકોથી રાહદારીઓ પરેશાન
દિવાળીના તહેવારો હોઇ લોકો સોના ચાંદી, ફરસાણ,ફટાકડા,મીઠાઈ, કપડાં,ઘર શુસોભન સહિતની સાધન સામગ્રી ખરીદી કરવા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડતાં બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. પાલનપુર એરોમા સર્કલ, આબુ હાઇવે, ડીસા હાઇવે, અમદાવાદ હાઈવે ઉપર સવારથી સાંજ સુધી વાહનોની લાંબી કતારો લાગી રહી છે. અને શહેરના ગુરુનાનક ચોક, સંજય ચોક,દિલ્હી ગેટ ,સિમલા ગેટ,બારડપુરા,દિલ્હી ગેટ,ગઠામણ દરવાજા, વિસ્તારોના રોડ ઉપર થોડી થોડી વારે ટ્રાફિક સમસ્યાના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.
આડા દિવસે વાહન ચાલકો ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠે છે. જોકે, તહેવારોના દિવસે પણ કલાકો સુધી ટ્રાફિક જામ થતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. પાલનપુર શહેરમાં દિવાળીના તહેવારોના અંતિમ દિવસોમાં ખરીદી માટે મોટી ભીડ જામી રહી છે. ત્યારે ટ્રાફિક સમસ્યા પાલનપુર વાસીઓ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. મહત્વની વાત એ છે કે, ટ્રાફિક વ્યવસ્થા માટે ટ્રાફિક તંત્ર તહેવારોના દિવસે નિષ્ફળ સાબિત થતું હોય તેમ લાગી રહ્યું છે. પાલનપુર હાઇવે વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં ખીચો ખીચ ટુવહીલર તેમજ ફોરવહીલર વાહનોની મોટી લાઈનો લાગે છે. પાલનપુર શહેરમાં મુખ્ય માર્ગો પર ફટાકડાની લારીઓની લાઈનો લગતા રાહદારીઓને પણ રોડ ઉપર ચાલવું મુશ્કેલ બની રહ્યું છે.
કોઈપણ પ્રકારની પોલીસ તંત્ર કે ટ્રાફિક તંત્ર દ્વારા તહેવારોના દિવસે ટ્રાફિક કંટ્રોલ કરવા માટેની કોઈ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી ન હોય તેવુ લાગી રહ્યું છે, વાહન ચાલકો પોતાની જાતે જ વાહનો ગમે તે રીતે રોડ ઉપર પસાર કરી ટ્રાફિકમાંથી નીકળતા નજરે પડી રહે છે ત્યારે લોકોની માંગ છે કે, તહેવારોના દિવસે પોલીસ તંત્ર અને ટ્રાફિક તંત્ર પોતાની નૈતિક ફરજ બજાવીને ટ્રાફિકમાંથી રાહત આપે.