વાવ ખાતે સુવિધાઓથી સજ્જ આદર્શ મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ

બનાસકાંઠા
બનાસકાંઠા

મતદાન જાગૃતિ બેનર, સેલ્ફી પોઇન્ટ, પાણી-શરબત સહિત હેલ્થ ચેકઅપનો લાભ મતદારોને મળતા ચૂંટણી વિભાગનો વિશેષ આભાર વ્યકત કરતા મતદારો

મતદાન આપણો અધિકાર માનીને ૮૫ વર્ષીય ઓખીબેન વ્હીલ ચેરના સહારે આવ્યા મતદાન કરવા

બનાસકાંઠા જિલ્લાના ૦૭- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં સવારે ૭ કલાકથી લઈને બપોરે ૧ વાગ્યા સુધી કુલ ૩૯.૧૨% જેટલું મતદાન નોંધાયું છે.

વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બુથ નંબર ૭ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલએ આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલએ જણાવ્યું હતું કે, સમગ્ર વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતવરણમાં મતદાન ચાલી રહ્યું છે. લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. તેમણે સુઈગામ, વાવ અને ભાભર તાલુકાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા, શરબત, મતદારોને જાગૃતિ માટે બેનર, સેલ્ફી પોઇન્ટ, હેલ્થ ચેકઅપ, બેસવાની વ્યવસ્થા લઈ સુશોભિત મતદાન મથક ઊભું કરાયું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળતા તેમણે જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાવ પેટા ચૂંટણીમાં યુવા થી લઈને વૃધ્ધ સૌકોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે. મતદાન આપણો અધિકાર માનીને ૮૫ વર્ષીય ઓખીબેન વ્હીલ ચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા. ૨૧ વર્ષીય યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યકત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.