ઈ-કેવાયસી કરવામાં જિલ્લો બન્યો અગ્રેસર : અત્યારસુધી ૨૦ લાખથી વધુ લાભાર્થીઓનું ઈ-કેવાયસી કરાયું પૂર્ણ
તમામ રેશનકાર્ડ ધારકોએ કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઇ માટે e-KYC કરાવવું જરૂરી
ઘરે બેઠાં My Ration Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
બાકી રહેતા લાભાર્થીઓ સત્વરે પોતાનું ઈ-કેવાયસી કરાવી લેવા તંત્ર તરફથી કરાયો અનુરોધ
રેશનકાર્ડના e-KYC થી ભવિષ્યમાં ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લાભાર્થીઓ લઇ શકે તે માટે તમામ રેશનકાર્ડ ધારકોએ કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઇ માટે e-KYC કરાવવું જરૂરી બન્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લા ૨ મહિના દરમિયાન નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો ૨૦,૦૭૭,૨૭ ઈ- કેવાયસી પૂર્ણ કરીને રાજ્યમાં અગ્રેસર છે.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ જણાવ્યું કે, જિલ્લા કલેકટર મિહિર પટેલની રાહબારી હેઠળ જિલ્લામાં યુદ્ધના ધોરણે ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે બાકી રહેતા લાભાર્થીઓ પણ સત્વરે પોતાનું ઈ-કેવાયસી કરાવી લેવા તંત્ર તરફથી અનુરોધ કરાયો છે. જિલ્લામાં ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ ૧૦ લાખથી વધુ રજીસ્ટ્રેશન વી.સી.ઈ કક્ષાએ, ૧.૪૯ લાખથી વધુ રજીસ્ટ્રેશન પી.ડી.એસ મારફત જ્યારે ૭.૬૪ લાખથી વધુ ઈ કેવાયસી રજીસ્ટ્રેશન માય રેશન એપ્લિકેશન મારફત મળીને કુલ ૨૦,૦૭૭,૨૭ ઈ- કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યા છે.
રેશનકાર્ડ ધારક ૪ (ચાર) રીતે e-KYC કરાવી શકે છે. ઘરે બેઠાં My Ration Mobile Application થી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે. ગ્રામ્ય સ્તરે ઇ-ગ્રામ કેન્દ્રમાં V.C.E. મારફત, તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરીમાં રૂબરૂ જઇને, સરકાર માન્ય વાજબી ભાવની દુકાને રૂબરૂ જઇને e-KYC કરાવી શકાય છે.
e-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઇલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો આપવાની રહે છે. કોઇ દસ્તાવેજની ઝેરોક્ષ કોપીની જરૂર નથી. E-KYC કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. રેશનકાર્ડ ધારકે પોતાની કોઇપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં.