ડીસાની ધી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના વહીવટ થી સભાસદોમાં રોષ
ડીસા તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘની ચૂંટણી યોજવા નામદાર હાઇકોર્ટના આદેશ બાદ વહીવટી સમિતિ દ્વારા પેટા કાયદામાં સુધારો કરતા મંડળીઓના સભાસદો રોષે ભરાયા હતા. પેટા કાયદો સુધારવા અને ચૂંટણી પહેલા વહીવટદારની નિમણૂક કરવાની માગ સાથે આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.ડીસા ખાતે ખેડૂતોના હિત માટે ઘી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની સ્થાપના કરવામાં આવી છે. જે સંઘ વિવિધ મંડળીઓ સાથે જોડાયેલું છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની સંસ્થાને રાજકીય ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક વિવાદોમાં સપડાઈ રહી છે અને ખેડૂતોના હિત કરતા વિવાદો વધુ થઈ રહ્યા છે. ત્યારે હાલ વહીવટી સમિતિ કાર્યરત છે અને જેમાં મુખ્ય વહીવટકર્તા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા છે. ત્યારે વહીવટી સમિતિ દૂર કરી ચૂંટણી યોજવા કેટલીક ખેડૂતોની મંડળીઓ નામદાર હાઇકોર્ટમાં અરજ કરી હતી. જે મામલે હાઇકોર્ટે છ માસમાં ચૂંટણી યોજવા જિલ્લાના સત્તાધિકારીને સૂચના આપી હતી. ત્યારે વહીવટી સમિતિ દ્વારા કેટલાક પેટા કાયદામાં સુધારો કરતા ખેડૂત મંડળીના સભાસદોને અન્યાય થઈ રહ્યો હતો. જેથી સંઘના વહીવટથી રોષે ભરાયેલા ખેડૂત મંડળીના સભાસદો અને સહકારી આગેવનોએ આજે ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આ અંગે સહકારી આગેવાન રેવાભાઈ દસાઈ, રમેશભાઈ માળી અને નરસિંહભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટીએ એક સમાજને ટાર્ગેટ બનાવી કાયદા વિરુદ્ધ સમિતિ રચના કરી સરકારને અંધારામાં રાખેલા છે. સાથે પૂર્વ ધારાસભ્ય ડીસા તાલુકાના ખેડૂત ન હોવા છતાં વહીવટ કરતા ખેડૂતો સ્વીકારવા તૈયાર નથી. સંઘની દસ કરોડની જમીન સસ્તા ભાવે વેચી સંઘને કરોડોનું નુકસાન કરાવેલું છે. ત્યારે તેમને હટાવી વહીવટદારની નિમણૂક કરી ગેરનીતીની તપાસ કરાવવા તેમજ પેટા કાયદામાં સુધારો કરી ચૂંટણી યોજવા રજૂઆત કરી છે.