ડીસાના થેરવાડા ગામે આરોગ્ય કેન્દ્રના બાંધકામની મંજૂરી આપવા માંગ
ગામમાં આરોગ્ય સબ સેન્ટરની જગ્યા ફાળવાયા બાદ પણ બાંધકામ થયું નથી: ડીસા તાલુકાના થેરવાડા ગામે આરોગ્ય સબ સેન્ટરની જગ્યા ફાળવ્યા બાદ ઘણા સમય પછી પણ બાંધકામ શરૂ ન કરાતા ગામના જાગૃત નાગરિક દ્વારા આરોગ્ય સેન્ટરનું બાંધકામ ઝડપથી થાય તેવી માંગ કરવામાં આવી છે.
ડીસા તાલુકાના થેરવાડા ગામે: જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સબ સેન્ટર બનાવવા માટે જગ્યાની માંગ કરાતા ગામમાં જગ્યા ફાળવવામાં આવી હતી. પરંતુ ઘણા સમય બાદ પણ જિલ્લા કક્ષાએથી બાંધકામની મંજૂરી મળી નથી. જેથી ગામમાં આરોગ્યની પૂરતી સુવિધા ન મળતી હોવાથી લોકોને અન્ય સબ સેન્ટરોમાં સારવાર માટે જવું પડે છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે.
જેથી આ અંગે ગામના જાગૃત નાગરિક: અને સામાજિક કાર્યકર મહાવીર ભીખાલાલ શાહ દ્વારા આરોગ્ય વિભાગમાં લેખિત રજૂઆત કરી ગામમાં આરોગ્ય સબ સેન્ટર ના બાંધકામની તાત્કાલિક મંજૂરી મળે તેવી માંગ કરવામાં આવી છે. જો ગામમાં વહેલી તકે સબ સેન્ટર બનાવવામાં આવે તો ગામના હજારો લોકોને તેનો લાભ મળી શકે તેમ છે અને લોકોએ આરોગ્યની સેવા માટે દૂર આવેલા અન્ય સબ સેન્ટરોમાં જવું ન પડે.