ડીસામાં હજુ 3 દિવસ રાતે હળવી ઠંડી,દિવસે ગરમી અનુભવાશે
અરબી સમુદ્ર બનેલ અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે. જેને લઇ દિવસ-રાતના તાપમાનમાં ઉતાર-ચઢાવનો દોર શરૂ થયો છે. મંગળવારે દોઢેક ડિગ્રીના ઉતાર-ચઢાવ વચ્ચે દિવસનું તાપમાન 37.2 થી 39.7 ડિગ્રીની વચ્ચે રહેતાં બપોરના સમયે આકરા તાપનો અનુભવ થયો હતો.
ડીસામાં દિવસનું તાપમાન 39.7 અને રાતનું 23.3 ડિગ્રી નોંધાયું હતું.બીજી બાજુ રાત્રીનું તાપમાન 21.6 થી 23.3 ડિગ્રીની વચ્ચે રહેતાં રાત્રી દરમિયાન હળવી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબરના છેલ્લા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો 18.5 ડિગ્રીની આસપાસ, તેમજ ગરમીનો પારો 36 ડિગ્રીથી નીચે હોવો જોઇએ. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણેક દિવસ સુધી વાતાવરણની આ સ્થિતિ યથાવત રહે તેવી શક્યતા હોઇ હજુ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહેશે.