ડીસા માર્કેટયાર્ડ મગફળીની આવકોથી ઊભરાયું : 50 હજારથી વધુ બોરીની આવક નોંધાઈ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ખરીફ પાક ગણાતા મગફળી કાઢવાનું શરૂ થતાં શરૂઆતથી જ મગફળીની પુષ્કળ આવક થતા માર્કેટ યાર્ડ ધમધમતાં થયા હતાં .ડીસા માર્કેટયાર્ડમાં દિવસે દિવસે આવક વધતા ગુરુવારે 50 હજારથી વધુ બોરીની મગફળીની આવક નોંધાઇ હતી. જો કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી દિવાળી બાદ શરૂ કરવાની હોવાથી તેમજ હાલ ખેડૂતોને સારા ભાવ મળતા હોઇ ખેડૂતો રાહ જોયા વગર માલ વેચી રહ્યા છે.
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પ્રમાણસર વરસાદના કારણે ખેડૂતોએ જિલ્લાના મુખ્ય ગણાતા ખરીફ પાક મગફળીનું મોટાપાયે વાવેતર કર્યુ હતું. ત્યારે છેલ્લા સપ્તાહથી મગફળી કાઢવાની શરૂઆત થતા ડીસા માર્કેટયાર્ડમાં દિવસે દિવસે આવકો વધી રહી છે. ડીસા માર્કેટયાર્ડમાં ગુરુવારે 50000 થી વધુ બોરીની મગફળીની આવક નોંધાઇ હતી. હાલ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 1150 થી 1450 જેવા મળી રહયા છે.
જો કે સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે પ્રતિ મણ 1326 ના ભાવે ટેકાના ભાવે ખરીદી કરવા માટે જાહેરાત કરી છે.અને તેના ખરીદ કેન્દ્રો દિવાળી બાદ શરૂ કરાશે. જૉકે મગફળીના ભાવ હાલ માર્કેટયાર્ડમાં સારા મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે વેચવાની રાહ જોવા તૈયાર નથી. જેના કારણે માર્કેટ યાર્ડમાં દિવસે દિવસે આવકો વધી રહી છે.