ધાનેરા સબ જેલમાંથી ત્રણ કેદી થયા ફરાર
સંડાસ બાથરૂમ ઉપરની જાળી કાપી ત્રણ કેદી થયા ફરાર
રખેવાળ, ધાનેરા
ધાનેરા સબ જેલમાંથી ગત રોજ ત્રણ કેદી ફરાર થયાની હકીકત મળતા જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે. કોરોના મહામારી સામે દિવસ રાત પોતાની ફરજ પર તૈનાત ધાનેરા પોલીસની ગતરોજ ઊંઘ હરામ થઈ ગઈ હતી. ધાનેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જ સબ જેલ આવેલી છે. આ સબ જેલમાં કુલ ૭ આરોપી અલગ અલગ ગુના હેઠળ સજા ભોગવી રહ્યા હતા. જયારે ગત રોજ નિયત સમય પ્રમાણે સાંજે આ તમામ કેદીઓને જમવાનું આપવામાં આવ્યું હતું. લોકપની બહાર ગેલેરીમા બેસી જમતા કેદીઓને સાંજે ૭ વાગ્યા અને ૪૫ મિનિટે ફરજ પરના ગાર્ડ દ્વારા આ સબ જેલની ગેલેરીમાંથી અંદર લોકપમાં મુકવા જતા ત્રણ કેદી અંદર જાણ્યા ન હતા. ગાર્ડ પરના પોલીસ કર્મી એ અન્ય પોલીસને આ બાબતે જાણ કરતા સબ જેલની તપાસ કરતા સબ જેલની અંદર બનાવેલ સંડાસ બાથરૂમના ઉપરના ભાગની લોખંડની જાળીના સળિયા કાપેલા જણાતા આ ખબર જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા ધાનેરા ખાતે ગતરોજ એલસીબી એસઓજી સહિતની ટીમોને આ ત્રણ કેદીની શોધ માટે દોડતી કરાઈ હતી. આ ફરાર ત્રણે કેદી અલગ અલગ ગુનામાં સજા ભોગવી રહ્યા હતા. જેમાં મારામારી, ચોરી સહિત તાજેતરમાં પોષ ડોડાના જથ્થા સાથે પકડાયેલ કેદીનો પણ સમાવેશ થાય છે. ત્રણ આરોપી જેમાં અશોક દેવીદાસ સાધુ વાવ તાલુકાના સણવાલ ગામનો જયારે પિન્ટુ મફા ગલચર ધાનેરા શિવનગર અને ત્રીજો કેદી ધાનેરા તાલુકાના શિયા ગામનો નરપત ઉર્ફે નપીયો રાજપૂત આ ત્રણે કેદીઓએ ચાલાકી પૂર્વક કોઈ કોઈ સાધન વડે લોખંડની જાળી કાપી સબ જેલના પાછળના ખુલ્લા વિસ્તારમાં પડી ભાગી ગયા છે. ધાનેરા પોલીસ મથકે હાલ એએસઆઈ અમરતભાઈ ફરિયાદી બની આ ભાગેલા ત્રણ કેદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જયારે આ તરફ સવારે ધાનેરા ખાતેની સબ જેલ ખાતે ધાનેરા પ્રાંત અધિકારી, જેલર સહિતના અધિકારીઓ મુલાકાત લઈ રહ્યા છે. ધાનેરા પોલીસે પણ ધાનેરા ખાતે ફરજ બજાવી ચૂકેલા પોલીસ કર્મીઓની મદદ વડે આ ત્રણ કેદીઓને પકડી પાડવા માટે તમામ સરહદ તેમજ રાજેસ્થાન રાજ્યના ગામડાઓ સુધી તપાસ લંબાવી છે.