થરાદમાં ગૌવ્રત સંકલ્પ અભિયાન સમિતિ દ્વારા : ગાય માતાને રાજ્યમાતા તરીકે જાહેર કરવા માંગણી
થરાદમાં ગૌવ્રત સંકલ્પ અભિયાન સમિતિ દ્વારા પ્રાંતને આવેદનપત્ર: થરાદમાં ગૌવ્રત સંકલ્પ અભિયાન સમિતિ ગુજરાત રાજ્યના અધ્યક્ષ રામભાઈ રાજપુત અને સંયોજક યશવંત શાસ્ત્રી સહિત ગૌભક્તોએ ગુરુવારે થરાદના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે વર્ષોથી આપણે અને આપણા પૂર્વજો ગાયની સેવા કરીએ છીએ અને ગાયને માતા માનેલ છે. હાલ દેશમાં અનેક જગ્યાએ ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા અંગેની માગણીઓ ચાલી રહી છે.
તે અનુસંધાને મહારાષ્ટ્રમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે, સાથે જ વર્ષોથી આપણી સંસ્કૃતિના વારસામાં ગાયને જ માતાનો દરજ્જો મળે છે. તે ગાય માતાને રાજ્યમાતા તથા રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી અમારી માંગણી છે. અને આ માગણીને પ્રાધાન્ય આપવાની વિનંતી પણ છે.આ પ્રસંગે મહેશભાઇ દવે,નટુભાઇ બારોટ, મગનીરામભાઇ સહિત થરાદ અને વાવના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કલેકટરે સમિતિની માંગણીને રાજ્ય સરકારમાં મોકલી આપવાની ખાતરી આપી હતી.
Tags cow mother demand STATE