ડીસાના ઝેરડાં નજીક અકસ્માત : એકનું મોત
ધનાવાડાનું દંપતી નંદવાયું : ૫ દીકરીને ૧ દિકરે માતાનું શિરછત્ર ગુમાવ્યું
રખેવાળ ન્યુઝ ઝેરડા
સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉન અમલમાં અને રોડ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે છતાં અકસ્માતની વણઝાર અકબંધ રહી છે ત્યારે ગઈકાલે સવારે ડીસા ધાનેરા હાઈવે ઝેરડાં નજીક બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક પાછળ બેઠલ મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળતા કરુણ મોત નીપજ્યું હતું. જયારે બાઈક ચાલકને ઇજાઓ પહોંચતાં ૧૦૮ વાન દ્રારા સારવાર અર્થે ખસેડાયા હતા.
અત્યારે સમગ્ર દેશમાં લોક ડાઉન ચાલી રહ્યું છે અને વાહનોની અવર જવર પણ બંધ હાલતમાં છે તેમ છતા માર્ગ અકસ્માતનો સીલ સિલો યથાવત છે ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની મળતી માહિતી અનુસાર ધનાવાડા ગામના રમેશભાઈ નાઈ અને તેમના પત્ની જોસનાબેન પોતાનું બાઇક લઈ ઝેરડાં બેંક ખાતે રૂપિયા ઉપાડવા જઈ રહ્યા હતા. દરમ્યાન ઝેરડાં હાઇવે હનુમાન મંદિર પાસે બાઈક પાછળ પુર ઝડપે આવી રહેલ ટ્રક એકદમ નજીક આવતા ગભરાઇ ગયેલ જોસનાબેન બાઈક પરથી પડી જતા ટ્રકનું ટાયર માથાના ભાગે ચડી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનાર જોસનાબેનને સંતાનમાં પાંચ દીકરીઓ અને એક દીકરો ચાર વર્ષનો છે.
જયારે બાઈક ચાલક રમેશભાઇને ઇજાઓ થતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા અને મૃત્યુ પામનારને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવના પગલે અરેરાટી છવાઈ હતી.
અહેવાલ:- અનિલ શાહ