ત્રીજા તબક્કાના લોકડાઉનની આંશિક છૂટછાટ આત્મઘાતી સાબિત થઈ
રખેવાળ ન્યુઝ ડીસા : લોક ડાઉનના ત્રીજા તબક્કામાં સરકારે આંશિક છૂટછાટ આપતા મેગા શહેરોમાં વસતા લોકોએ યેનકેન પ્રકારે વતન વાપસી શરૂ કરી છે જેના કારણે ડીસા સહિત જિલ્લામાં કોરોનાનું આક્રમણ વધી પડી ગયું છે તેમછતાં બહારથી લોકોનો આવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે જેમનું રસ્તામાં સ્ક્રીનીંગ પણ થતું નથી. જેથી સંક્રમનનો ભય વધી જતાં સરકાર લોકડાઉન લંબાવે તો નવાઈ નહિ.
કોરોનાને નાથવા સરકારે બે તબક્કામાં લોક ડાઉન જાહેર કર્યું હતું જેથી કોરોનાનું સંક્રમણ અમદાવાદ જેવા મેગા શહેરો પૂરતું સીમિત રહેવા પામ્યું હતું. પણ ત્રીજા તબક્કાના લોક ડાઉનમાં આંશિક છૂટછાટ આપતા જ મેગા શહેરોમાં રહેતા લોકોએ વતનની વાટ પકડી છે જેઓ ગમે તે રીતે રાતના સુમારે વતન આવી જાય છે જ્યાં રસ્તામાં તેમનું સ્ક્રેનિગ કે કોઈ તપાસ પણ થતી નથી. જેથી બહારથી આવેલા લોકોના કારણે કોરોનાનો વિસ્ફોટ થયો છે જેના કારણે સરકારનો દાવ આત્મઘાતી પુરવાર થયો છે. એક માત્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બીજા તબક્કાના અંત સુધી જિલ્લો કોરોના મુક્ત હતો. પરંતુ વાવના મીઠા વિચારણમાં સુરતથી આવેલ બાળક સાથે જિલ્લામાં કોરોનાનો પગપેસારો થવા પામ્યો હતો ત્યાં સુધી નિયંત્રણ હતું પણ ત્રીજા તબક્કાની છૂટછાટમાં બહારથી વધુ લોકો આવતા ગઠામણ- ડીસા સહિત જિલ્લામાં કોરોનાનો કહેર છવાયો છે જે કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકડાઉનનું કડકાઇથી પાલન થઈ રહયું છે પરંતુ દોઢ મહિના કરતા વધુ સમયથી ખડેપગે રહેલ પોલીસ સહિતનું તંત્ર થાકયું હોય તેમ લાગે છે જેથી ખાસ કરીને રાતના સુમારે બહારથી આવતા વાહનો બેરોકટોક ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે. સરકાર પણ બસો મારફત લોકોને મોકલે છે જેથી ખાળે ડૂચા પણ દરવાજા મોકળા જેવો ઘાટ થયો છે. જેના કારણે જિલ્લામાં કોરોના સંક્રમણનો ખતરો મંડરાયો છે. સરકારને પણ ભૂલ સમજાઈ છે તેથી આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે ૩૧ મે સુધી લોકડાઉન વધારવાની હિલચાલ હાથ ધરી છે આમેય વડાપ્રધાન અને મુખ્યમંત્રી અવારનવાર કોરોના સામેની લડાઈ લાંબી ચાલવાના સંકેત આપે છે તેથી કોરોનાના વધતા જતા કેશોને લઈ લોકડાઉન વધવાની પૂરેપૂરી શકયતા છે.