ડીસામાં કોરોના વાયરસ કેસના પગલે બજાર ફરી બંધ
લોકડાઉનની દોઢ મહિનાની મહેનત ઉપર પાણી
જિલ્લા કલેકટર દ્વારા નવું જાહેરનામું ના આવે ત્યાં સુધી દુકાનો બંધ
રખેવાળ ન્યુઝ ડીસા
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ સતત ૪૦ દિવસથી લોકડાઉનનું પાલન કરતા નગરજનોની ચિંતામાં વધારો થયો છે. સોમવારે ડીસામાં એક મહિલાનો કેસ પોઝીટિવ આવતા ભયનો માહોલ ફેલાયો હતો. જેના પગલે સમગ્ર ડીસાને તંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવામાં આવતા સમગ્ર બજારની દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી હતી.હવે આગામી સમયમાં જિલ્લા કલેકટરનું નવું જાહેરનામું પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી જીવન જરૂરિયાત સહિતની તમામ દુકાનો બંધ કરવાના આદેશ પણ કરવામાં આવ્યા હતા. જેથી પોલીસ પ્રશાસન દ્વારા શહેરની તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી. આમ લોક ડાઉનની સતત દોઢ મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળતા સવારે માંડ ખૂલેલી દુકાનોના શટર ફરી એકવાર પડી ગયા હતા. જો કે કોરોના પીડિત મહિલા બહારથી એટલે કે અમદાવાદથી આવી હતી એ આશ્વાસન સાથે અહીં ઘરમાંથી નીકળવું મુશ્કેલ છે તો પછી આ લોકો અમદાવાદ જેવા હોટસ્પોટ વિસ્તારમાંથી કઈ રીતે આવ્યા ? તે મુદ્દો ‘ટોક ઓફ ધી ટાઉન’ બની ગયો હતો.