દાંતીવાડાનો શિક્ષક હની ટ્રેપમાં લપેટાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુરમાં રહેતો અને દાંતીવાડા તાલુકાના ગાંગુદરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકને એક યુવતી સહિત સાત જણાએ હની ટ્રેપમાં લપેટી બ્લેકમેઈલ કરી રૂપિયા ૭.૫૦ લાખ પડાવી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાંતીવાડા તાલુકાની ગાંગુદરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં રજનીકાંત નાનુભાઇ સુતરિયા પાલનપુર ખાતે પારપડા રોડ સ્થિત શ્યામવિહાર ઉપવન સોસાયટીમાં રહે છે. જેઓ સાથે એપ્રિલ ૨૦૨૦માં ડિમ્પલ નામની યુવતીએ સંપર્ક કરી મુલાકાત કરી હતી. અને શિક્ષકની ગાડીમાં બેસી આબુરોડ લઈ ગઈ હતી. જ્યાં હોટલમાં લઇ જઇ લાગણીઓમાં બાંધી પ્રેમભરી મીઠીમીઠી વાતો કરી હતી. જ્યાંથી પરત અમીરગઢ બોર્ડર પરત આવતા હતા. ત્યારે રસ્તામાં આ યુવતીએ ઊલટી કરવાનું બહાનું કરી શિક્ષકને ગાડી ઉભી રખાવી તેની નીચે ઉતરી હતી. દરમિયાન આયોજન મુજબ પાછળથી બે ગાડીમાં ચંદ્રકાંત ઉર્ફે ટીનાભાઈ બાબુજી ઠાકોર (રહે. ડીસા), અહેસાનખાન નજીરખાન પરમાર (રહે. જલોત્રા, તા. વડગામ), તેજસ ઉર્ફે ટોની ભેમજીભાઈ સોની (રહે.જુના ડીસા તા. ડીસા), શાહરૂખખાન રહમતખાન વિહારી (રહે. જુનાડીસા, તા. ડીસા), ડિમ્પલ તથા બે અજાણ્યા શખ્સ આવ્યા હતા. જેમણે તબક્કાવાર ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ધાક ધમકી આપી, જાતિ અપમાનિત કરી, બ્લેક મેઈલ કરી રૂપિયા ૭,૫૦,૦૦૦ પડાવી લીધા હતા. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આ બ્લેક મેઈલર ટોળકી સામે એક્ટ્રોસિટી સહિતની કલમો સહિતનો ગૂનો નોંધી તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.