દાંતીવાડા ડેમમાં દસ કલાકમાં અડધો ફુટ નવા પાણીની આવક થઈ : હડમતીયા ડેમ ઓવરફલો
દાંતીવાડા તાલુકામાં આજરોજ સારી માત્રમાં વરસાદ પડતાં દસ કલાકના સમયમાં દાંતીવાડા ડેમમાં અડધો ફુટ પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે લઘુ સિંચાઈ માટેનો હડમતીયા ડેમ સાંજના સમયે ઓવરફલો થતાં કેટલાક ગામો માટે સારા સમાચાર સાંપડ્યા હતા.
દાંતીવાડા તાલુકામાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ૧૦ કલાકમાં ૯૧ એમએમ વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં પણ સારો વરસાદ થતાં દાંતીવાડા ડેમમાં સાંજના સમયે નવા પાણીની ૮,૯૫૬ ક્યુસેક આવક નોંધાઈ હતી. જેથી ડેમની સપાટીમાં વધારો થતાં ૫૮૮.૪૦ ફુટે પહોંચી હતી. હાલમાં ડેમમાં પાણીનો કુલ જથ્થો ૫૮.૯૮ ટકા થયો. તેમજ વરસાદના પગલે તાલુકાનો અન્ય એક ડેમ જે તાલુકાના ડેરી ગામે આવેલ છે જે હડમતીયા ડેમ સાંજના સમયે ઓવરફ્લો થયો હતો. આ ડેમ ભરાવાથી આજુબાજુના ૧૦ જેટલા ગામોને પાણીનો લાભ થશે. તો બીજી બાજુ તાલુકાના સિપું ડેમમાં સાંજના ૬ વાગ્યા સુધી પાણીની કોઈ આવક નોંધાઈ ન હતી. દાંતીવાડા ડેમમાં ૫૮૫.૬૬ ફુટ જ્યારે પાણીનો ટોટલ જથ્થો ૧૮.૮૪ ટકા નોંધાયેલ જોવા મળ્યો હતો.