દાંતીવાડામાં મહિલાના આરોગ્યની ખાત્રી અધ્ધરતાલ, લોહી વહેતાં ફફડાટ
રખેવાળ, દાંતીવાડા
કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે દાંતીવાડામાં આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી છે. ગતમોડી સાંજે એક ગર્ભવતી મહીલાને ડીલિવરીનો દુખાવો ઉપડતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઇ જવાયા હતા. જ્યાં ડિલિવરી બાદ મહીલાને લોહી વહેતું થયુ છતાં સ્ટાફ નર્સે પરત મોકલી દીધાની ઘટના સામે આવી છે. ઘરે પહોંચ્યા બાદ મહીલાની તબીયત વધુ લથડતા ફરી આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. જોકે ત્યાં કોઇ હાજર ન હોવાથી એકાદ કલાક રાહ જોયા બાદ પાલનપુર દોડવાની નોબત આવી છે.
બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, નર્સ અને દર્દી વચ્ચે ચોંકાવનારી ઘટના બની છે. દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામે ખેત મજૂરી કરતા મંગળરામ માજીરાણાના પત્ની ચંપાબેનને ગૂરૂવારે રાત્રે પ્રસુતીનો દુઃખાવો ઉપડ્યો હતો. જેથી સાંજે ૭ વાગ્યાના સુમારે દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલા દર્દીના પતિએ જણાવેલ કે, કેન્દ્રના નર્સે, ચંપાબેનની ડિલિવરી ૧૦ વાગ્યે થવાનું કહ્યું પરંતુ ડિલિવરી રાત્રિના ૧૨ વાગ્યા દરમ્યાન થઈ હતી. ડિલેવરી બાદ ચંપાબેનને લોહી વહેતું છતાં જે તે હાલતમાં રજા આપી ઘરે મોકલી દીધા હતા.
સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન ચંપાબેનની તબિયત વધારે બગડતા વહેલી સવારે પતિ મંગળરામ દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતા. જેમાં સરેરાશ એક કલાક રહ્યા છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જવાબદાર સ્ટાફ પહોંચ્યા નહોતા. આવી સ્થિતિમાં મહિલા દર્દીને લોહી વહેતાં હાલતમાં ૧૦૮ દ્વારા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી તેમ તેણીનાં પતિએ કહ્યું હતું.