ગુજરાતની સહકારી બેંકો પર સાયબર એટેક : બેંક ખાતેદારો પરેશાન

ગુજરાત
ગુજરાત

જિલ્લાની સહકારી બેંકો પર વર્તાઈ અસર: મોબાઈલ-ઈન્ટરનેટ બેકિંગ- યુપીઆઈ સેવા ખોરવાઈ: દેશ-વિદેશમાં સાઈબર એટેકના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. તાજેતર માં માઈક્રોસોફ્ટમાં ખરાબી સર્જાતા એર લાઇન્સ સહિતની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. ત્યારે હવે ગુજરાતની સહકારી બેંકો પર સાઇબર એટેક થતા બેકિંગ વ્યવહારો પર તેની માઠી અસર વર્તાઈ રહી હોવાની રાવ ઉઠી છે. સાઈબર એટેકને પગલે ડીઝીટલ દુનિયા થંભી જતા લોકોના શ્વાસ અઘ્ધર થઈ જતા હોય છે. ત્યારે ડીઝીટલ યુગમાં વધતા જતા સાઇબર એટેકને નાથવામાં આવે તેવી લાગણી જોર પકડી રહી છે.

ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક અને તેમની સાથે સંકળાયેલી 13 જેટલી જિલ્લા બેંકો અને 150 જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વ્યવહારો છેલ્લા ત્રણ દિવસથી અટકી ગયા છે. હજી સુધી આ બેંકોના સત્તાધિશોએ કોઈપણ જાતનો ખુલાસો કર્યો નથી. પરંતુ ગુજરાતના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ, રોજમદાર સહિતના બેંક ખાતેદારોના સમગ્ર ડિજિટલ વ્યવહારો જેવા કે એનઈ એફટી, આરજીટીએસ, યુપીઆઈ, ફોન પે, ગુગલ પે, પેટીએમ જેવી દરેક સર્વિસ છેલ્લા 72 કલાકથી બંધ થઈ ગઈ હોવાનો દાવો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે કર્યો હતો.

ઉપરોક્ત બેંકોમાં સામાન્ય કરતાં ત્રણ ગણા વધુ કિંમતે સાયબર સુરક્ષા માટે સોફ્ટવેર સિસ્ટમ અને સર્વરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સોફ્ટવેર કંપનીના પેટા કોન્ટ્રાક્ટ બેંક સાથે સંકળાયેલા મોટા માથાઓના કુટુંબીજનો ચલાવી રહ્યા હોય તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. તેનો ખુલાસો પણ સત્તાધીશોએ કરવો જોઈએ. જેથી ગ્રાહકોનો વિશ્વાસ જળવાયેલો રહે તેવી માંગ પણ કોંગ્રેસ અગ્રણી હેમાંગ રાવલે કરી હતી. વધુમા તેઓએ રૂ. 5,000 કરોડથી વધુના વ્યવહારો અટવાયા હોવાનો દાવો કરતા સરકાર ખાતેદારોના રૂપિયા સુરક્ષિત છે તેવી બાંહેધારી આપે તેવી માંગ કરી હતી.

બનાસકાંઠાની સહકારી બેંકોને પણ અસર: સહકારી બેંકોમાં સાઇબર એટેકની અસર બનાસકાંઠા જિલ્લાની સહકારી બેંકો પર પણ જોવા મળી હતી. જોકે, બેંકો દ્વારા પણ ખાતેદારોને ટેક્નિકલ ઇશ્યુ ને લઈને દિલગીરી વ્યક્ત કરતા મેસેજ કરાયા હતા. જોકે, બનાસકાંઠા ની સહકારી બેંકોમાં મોબાઈલ- ઈન્ટરનેટ અને યુપીઆઈ સેવા ખોરવાતા ખેડૂતો, વેપારીઓ સહિતના ખાતેદારોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો.

બેંક દ્વારા ખાતેદારોને કરાયેલ મેસેજ: પ્રિય ગ્રાહક,ટેકનિકલ સમસ્યાના કારણે, બેંક ની મોબાઇલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ અને UPI વગેરે સેવાઓ ઉપલબ્ધ નથી. અમે આ સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં સેવાઓ પુનઃપ્રારંભ કરવામાં આવશે. આપને થયેલ અસુવિધા બદલ ક્ષમા કરશો. બનાસ બેંક


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.