કોરોના સંકટ સમયે નવવિવાહીત યુગલનો પ્રેરણાદાયી અભિગમ,  રૂ. ૧.૧૧ લાખનો ચેક પી.એમ. કેર ફંડમાં કલેકટરને અર્પણ કર્યો

ગુજરાત

રખેવાળ, પાલનપુર
કોરોના વાયરસના કહેર વચ્ચે ઘણી જગ્યાએ પ્રેરણાદાયી અભિગમ પણ જોવા મળે છે. પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શ્રી ભદ્રેશભાઇ પંડ્યાના પુત્ર જીમીના વડોદરા નિવાસી શ્રી રાજેશભાઇ શેઠની પુત્રી મૈત્રી સાથે તા.૧૨ મે-૨૦૨૦ના રોજ ખુબ જ સાદગીભર્યા લગ્ન થયા હતાં.

લગ્નવિધિ સંપન્ન કરીને શ્રી જીમી ભદ્રેશભાઇ પંડ્યા સજોડે પાલનપુર જઇને રૂ. ૧,૧૧,૧૧૧/- નો ચેક પી.એમ. કેર ફંડમાં બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેને અર્પણ કર્યો હતો. આ અંગે પ્રતિભાવ આપતાં નવવિવાહીત યુગલે જણાવ્યું કે અમારા લગ્નપ્રસંગે અમે સેવાકીય કાર્ય દ્વારા આશીર્વાદ મેળવવાનું નક્કી કર્યુ હતું. અમારા આ વિચારને અમારા પરિવારે આનંદ સાથે સમર્થન આપ્યું છે. અમારા લગ્ન ખુબ જ સાદગીથી માત્ર ૨૦ માણસોની ઉપસ્થિતિમાં યોજાયા હતા. પ્રસંગને અનુરૂપ સ્વજનો, મિત્રો તરફથી શુભેચ્છારૂપે જે ભેટ, પૈસા મળ્યા તેમાં ખુટતી રકમ મેં ઉમેરીને આજે પી.એમ. કેર ફંડમાં ચેક અર્પણ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પુત્રના લગ્ન પહેલાં શ્રી ભદ્રેશભાઇ પંડ્યાએ દાંતા મામલતદાર કમ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની ઓફીસમાંથી લગ્ન યોજવા પરવાનગી માગી હતી. મળેલ પરવાનગી અનુસાર માત્ર ૨૦ માણસોની હાજરીમાં દરેકનું મેડીકલ ચેકઅપ કરીને, સૌએ મોંઢે માસ્ક બાંધીને, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને સાદગીથી લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

કલેકટરશ્રી સંદીપ સાગલેએ નવયુગલને શુભેચ્છાઓ પાઠવી તેમના અભિગમને બિરદાવ્યો હતો. ચેક અર્પણ પ્રસંગે નવયુગલ સાથે જીમીના પપ્પાઅ શ્રી ભદ્રેશભાઇ પંડ્યા, અંબાજીના પત્રકારશ્રી દશરથભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.