કોરોના સામે જંગ જીતનાર વધુ ૧૦ વ્યક્તિઓને રજા અપાઇ
અત્યાર સુધી કોરોનાના કુલ ૧૪ દર્દીઓ સાજા થતાં પાલનપુર સીવીલ હોસ્પીટલમાંથી ઘેર જવાની રજા અપાઇ
રખેવાળ, પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સામે જંગ જીતનાર વધુ ૧૦ વ્યક્તિઓને ઘેર જવાની રજા અપાઇ છે. અત્યાર સુધી કોરોના સંક્રમિત કુલ-૧૪ દર્દીઓ સાજા થતાં પાલનપુર સીવીલ હોસ્પીટલમાંથી ઘેર જવાની રજા આપવામાં આવી છે. સાજા થનાર વ્યક્તિઓમાં દેવજીભાઇ માધાભાઇ ચૌહાણ ઉ.વ.૨૭, ઇશ્વરભાઇ રામાભાઇ પરમાર ઉ.વ.૩૫, હેતલ હીરાલાલ ચૌહાણ ઉ.વ.૨૨, પાર્વતી વશરામજી દલવાડીયા ઉ.વ.૧૮, શોહિલ હારૂન ગોરાણીયા ઉ.વ.૧૮, ઇશ્વરભાઇ મફાભાઇ વડાલીયા ઉ.વ.૨૦, પ્રકાશભાઇ મગનભાઇ વણકર ઉ.વ.૨૦, ઢેંગાભાઇ નરપતભાઇ વેણ ઉ.વ.૨૨, લીલાબેન થાવરાભાઇ બુબડીયા ઉ.વ.૪૮ અને દરગાભાઇ અમરતભાઇ ચૌધરી ઉ.વ.૨૩ ના બીજા બે-બે રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પીટલમાંથી ઘેર જવાની રજા અપાઇ છે.
આ ૧૦ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવતા બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે તૈયાર કરાયેલ કોવિડ-૧૯ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તેમના બીજા બે-બે રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પીટલમાંથી ઘેર જવાની રજા આપવામાં આવી છે. પાલનપુર સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી અને અધિક્ષકશ્રી ર્ડા. સુનિલ જોષી સહિત અન્ય ર્ડાકટરોએ સાજા થયેલા દર્દીઓને શુભેચ્છાઓ પાઠવી, તાળીઓના ગડગડાટથી અભિવાદન કરી હોસ્પીટલમાંથી વિદાઇ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના ૫ વર્ષીય બાળક મહેક અરવિંદભાઇ વડાલીયાએ પણ કોરોનાને મ્હાત આપતા બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલે અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તા. ૧૯ એપ્રિલે રજા અપાઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ-૩૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા તેમાંથી ભાગળ ગામના શ્રીમતી ફાતીમાબેન મુખીનું અવસાન થયું છે. અત્યાર સુધી સાજા થયેલા કુલ-૧૪ વ્યક્તિઓને ઘેર જવાની રજા અપાઇ છે અને કોરોના સંક્રમિત ૧૬ દર્દીઓ સીવીલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે તેમની સ્થિતિ પણ સારી છે તેમ પાલનપુર હોસ્પીટલના સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી અને અધિક્ષક ર્ડા. સુનિલ જોષીએ જણાવ્યું છે.