ડીસામાં ટીપી સ્કીમનો વિવાદ વકર્યો : ખેડૂતોના બીજા જૂથનું ટીપી સ્કીમને સમર્થન

બનાસકાંઠા
બનાસકાંઠા

નગરપાલિકા અને પ્રાંત કચેરીએ ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું

ભાજપમાં જૂથવાદના કારણે ટીપી સ્કીમ લટકી રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ: બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં પ્રથમ વખત અમલમાં મુકાનારી ટીપી સ્કીમ છેલ્લા દસ વર્ષથી અદ્ધરતાલ છે. ત્યારે ફરીથી તેનો મુદ્દો ચગ્યો છે. તાજેતરમાં ટીપી કમિટીની મળનારી પ્રથમ બેઠકમાં ખેડૂતોના એક જૂથે ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો. જ્યારે આજે ખેડૂતોના બીજા જૂથે ટીપી સ્કીમના સમર્થનમાં નગરપાલિકા અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ ભાજપના આંતરિક જૂથવાદના કારણે જ ટીપી સ્કીમ લટકી રહી હોવાનો પણ આક્ષેપ કરી ખેડૂતોના હિતમાં આ ટીપી સ્કીમ ઝડપથી અમલમાં મૂકવાની માંગ કરી હતી.

ડીસા શહેરનો વિસ્તાર અને વિકાસ સતત વધતા શહેરમાં પ્રથમ ટીપી સ્કીમ મૂકવાનું 10 વર્ષ અગાઉ આયોજન કરાયું હતું પરંતુ આ ટીપી સ્કીમ ખેડૂતોના હીત કરતાં કેટલાક નેતાઓ અને બિલ્ડરોએ પોતાના અંગત લાભ માટે અમલમાં મુકાવતા હોવાની ચર્ચાઓ વચ્ચે તેનો વિરોધ થતાં છેલ્લા ઘણા સમયથી ટીપી સ્કીમ અદ્ધરતાલ રહી હતી. જ્યારે તાજેતરમાં ડીસા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ ટીપી કમિટીની બેઠકનો કમિટીના તમામ સભ્યોએ વિરોધ કરતા બેઠક જ મુલતવી રહી હતી. જ્યારે બેઠકના દિવસે જ ખેડૂતોના એક જૂથે આ ટીપી સ્કીમથી ખેડૂતોનું ખૂબ જ અહિત થતું હોવાનું જણાવી ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો.

જ્યારે આજે ડીસા નગરપાલિકા અને ડીસા પ્રાંત કચેરી ખાતે કેટલાક ખેડૂતોએ ટીપી સ્કીમના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આ ટીપી સ્કીમના નકશાઓ જોતા આ વિસ્તારમાં રોડ,રસ્તા ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, બાગ બગીચા સહિતની સુવિધાઓ મળવાની હોવાથી ખેડૂતો ટીપી સ્કીમનું સમર્થન કરે છે અને અગાઉ જે ખેડૂતો વિરોધ કરવા આવ્યા હતા તેઓની જમીન પણ આ વિસ્તારમાં આવેલી નથી અને તેઓને કોઈએ ઉશ્કેરીને વિરોધ કરવા મોકલ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરી હવે આ ટીપી સ્કીમ ઝડપથી લાગુ કરવાની માંગ કરી હતી.

ભાજપમાં જૂથવાદના કારણે ટીપી સ્કીમ લટકી: દિનેશભાઇ માળી  ડીસામાં ટીપી સ્કીમ ભાજપમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદના કારણે જ લટકી રહી છે. ભાજપનું એક જૂથ ટીપીની તરફેણમાં છે અને બીજું જૂથ ટીપીની વિરોધમાં છે. પરંતુ તંત્રએ ખેડૂતોનું હિત વિચારી ટીપી સ્કીમ લાગુ કરવી જોઈએ.

વિરોધ કરવા આવેલા ખેડૂતોની જમીન પણ આ વિસ્તારમાં નથી: રમેશભાઈ નાભાણી ટીપી સ્કીમના નકશા જોતા આ વિસ્તારમાં રોડ રસ્તા,ભૂગર્ભ ગટર,પાણી, સ્ટ્રીટ લાઈટની સુવિધાઓનો વિકાસ થાય તેમ છે અને અગાઉ વિરોધ કરવા આવેલા ખેડૂતોની જમીન પણ આ વિસ્તારમાં નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.