પાલનપુરમાં નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી અંતર્ગત ‘કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત સરકાર તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય ના સુત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા. 01/08/2023 થી તા. 07/08/2023 સુધી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી હાથ ધરાઈ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, મહિલા અને બાળ અધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” દિનની ઉજવણી નિમિત્તે પાલનપુર ખાતે કલેકટર વરુણકુમાર બરનવાલ સાથે “કોફી વીથ કલેકટર” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેકટર વરુણકુમાર બરનવાલે UPSC, GPSC તેમજ સરકારી નોકરી માટેની તૈયારી કરતી દીકરીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપી તેમના પોતાના આઈ.એ.એસ થવા સુધીના અનુભવો વર્ણવ્યા હતા. કોઈપણ પરીક્ષામાં નિષ્ફળતાએ જીવનનો અંત નથી એમ જણાવી એમણે જીવનમાંથી નેગેટિવિટી છોડી પોઝિટીવીટી અપનાવવા દીકરીઓને અનુરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું કે, શુ વાંચવું અને શું ન વાંચવું એ નક્કી કરી જેમાં રસ રુચિ હોય અને જે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય એ ક્ષેત્રમાં આગળ વધવુ જોઈએ. તમારી પોતાની કેપેસિટી નક્કી કરી અભ્યાસના કલાકો કરતાં કેટલા કલાકોમાં કોઈ વિષયને ગ્રહણ કરી શકવાની ક્ષમતા છે એને આધારે તૈયારી કરવા ની સલાહ આપી હતી. કલેકટર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નોના ખૂબ સરળતાથી જવાબ આપી તેમને પરીક્ષા સાથે જીવનમાં સફળ થવાની શુભકામનાઓ પાઠવી હતી કલેકટર ના હસ્તે 1 થી 6 માસ સુધીની બાળકીઓને વધામણાં કીટ આપી માતાઓને સન્માનિત કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કક્ષાએ મહિલા રમતવીરો, કલાકારો, શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર દિકરીઓનું પણ કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.