મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઈન પ્રસાદ સેવાની શરૂઆત કરાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજીનો મોહનથાળ પ્રસાદ વિશ્વભરમાં સુપ્રિધ્ધ છે: ત્યારે દેશ-વિદેશમાં રહેતા માઈભક્તોને અંબાજીનો પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન પ્રસાદ સેવા શરૂ કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી ઓનલાઈન પ્રસાદ સેવાની શરૂઆત કરાવી હતી. આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર 7થી 10 દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે. આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે.

યાત્રાધામ અંબાજીનો સુપ્રસિધ્ધ મોહનથાળ પ્રસાદ, ચીકી પ્રસાદ ઓનલાઈન બુકીંગ સિસ્ટમથી કુરીયર મારફતે ઘરે બેઠા પ્રાપ્ત થઈ શકે તેવી અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે. વર્ષે લગભગ 1 કરોડથી વધારે પ્રસાદના બોક્સનું અંબાજી ખાતે વેચાણ થાય છે. આજના આધુનિક યુગમાં માઈભક્તો દ્વારા ઓનલાઈન પ્રસાદ વેચાણ માટે રજૂઆતો મળી હતી તેમજ પ્રવર્તમાન વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આવી વ્યવસ્થા પ્રાયોગીક ધોરણે શરૂ કરવી જરૂરી છે. હાલમાં અંબાજી મંદિરની વેબસાઈટને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રી-ડેવલોપ કરવામાં આવી છે. આ વેબસાઈટમાં ડોનેશન ઉપરાંત ઘણી જ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફતે હવેથી ઘરે બેઠા ઓનલાઈન પ્રસાદ મંગાવી શકાશે. યાત્રિકોએ પ્રિ-પેઈડ પદ્ધતિથી ઓનલાન ચૂકવણી કરવાની રહેશે. વેબસાઈટ મારફત પેમેન્ટ થયા બાદ પ્રસાદની ડીલીવરી કુરીયર પાટનર દ્વારા મોકલવામાં આવશે. મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે. પ્રાયોગિક ધોરણે મોહનથાળ પ્રસાદ તથા ચીકી પ્રસાદનું ઓનલાઈન બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઓનલાઇન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે. જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે. આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી ઓનલાઈન પ્રસાદ સેવાની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.