બનાસકાંઠામાં સાંચોરને જોડતા બે માર્ગોના વિસ્તૃતીકરણ માટે રૂ.૩૨ કરોડની મુખ્યમંત્રીએ ફાળવણી કરી
થરાદ- ધાનેરા તેમજ રાધનપુર- થરાદ અને સાંચોરને જોડતા માર્ગનું વિસ્તૃતિકરણ
બે માર્ગોનો ૨૦.૧૦ કિલોમીટરનો હાઇવે માર્ગ ૭ મીટર પહોળો થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના રાહ-ચાંગડા-લુવાણા- મોરથલ તેમજ લુવાણા-બેવટાના ૨૦.૧૦ કિમીના માર્ગને ટુ-લેન બનાવવા રૂ.૩૨ કરોડની રકમ મંજૂર કરી છે. આ બે રસ્તાઓની પ્રવર્તમાન ૩.૭૫ મીટરની પહોળાઈને આગામી સમયમાં ૭ મીટર કરી તેને ટુ-લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઈ મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે. બનાસકાંઠાના આ રસ્તાઓ થરાદ, ધાનેરા તેમજ રાધનપુર- થરાદ- સાંચોર-નેશનલ હાઈવેને જોડતા માર્ગો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ રસ્તાઓના વિસ્તૃતીકરણ માટે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાના સંબંધિત જન પ્રતિનિધિઓ અને ગ્રામીણ નાગરિકોએ રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ આ રજૂઆતોનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપતાં આ માર્ગોના વિસ્તૃતીકરણ માટે રૂ.૩૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આમ મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમને પરિણામે આ રસ્તાઓ ૩.૭૫ મીટરમાંથી ૭ મીટર ટુ-લેન થવાથી રાહથી રાજસ્થાન જવા અંદાજે ૨૫ કિમીનો ટુ લેન રોડ ઉપલબ્ધ થશે અને વાહન વ્યવહારને વધુ સરળતા થશે.
છ લેન હાઈ-સ્પીડ કોરિડોરના કારણે ૨૦ ટકા અંતર ઘટશે: થરાદ-અમદાવાદ વચ્ચે ૨૧૪ કિ.મી. છ લેન હાઈસ્પીડ કોરિડોરને બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર (બીઓટી) મોડમાં વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ.૧૦,૫૩૪ કરોડ છે. છ લેન હાઈ-સ્પીડ કોરિડોરથી થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ વચ્ચેનું અંતર ૨૦ ટકા અને મુસાફરીના સમયમાં ૬૦ ટકાનો ઘટાડો થશે.
ચાર જિલ્લામાં કોરિડોરથી વિકાસને વેગ મળશે: વડાપ્રધાને ભારતમાલા પરિયોજનામાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ અન્વયે થરાદથી અમદાવાદ સુધીના ૫૧૪ કિ.મી.ની લંબાઈના સિક્સલેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈસ્પીડ કોરિડોર માટે રૂ.૧૦,૫૩૪ કરોડ મંજૂર કર્યા છે. જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થનારા આ હાઈસ્પીડ કોરિડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે.