બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર શંકાસ્પદ વાયરસથી 2 ના મોત: 2 સારવાર તળે
આરોગ્ય કર્મીઓ સ્ટેન્ટ ટુ: રવિવારે પણ સર્વે કરાયો, પાલનપુર અને ડીસાના મળી 2 દર્દીના મોતથી ફફડાટ
ચાંદીપુરામાં ડેથ રેટ 78%: ચેપ બાદ 48 થી 72 કલાકમાં મોત: રાજ્યમાં કોહરામ મચાવનાર ચાંદીપુરા વાયરસે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ પગ પેસારો કરતા 4 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 2 દર્દીઓના મોત નિપજતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જિલ્લામાં 2 ના મોત અને 2 દર્દીઓ સારવાર તળે હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે દેખા દેતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 4 શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. જિલ્લા ના સુઇગામ તાલુકાના પાડણ ગામમાં 4 વર્ષના બાળક, દાંતીવાડામાં 16 વર્ષના વિદ્યાર્થી, ડીસા તાલુકાના સદરપુરમાં અને પાલનપુરમાંથી 8 વર્ષની દીકરીમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો મળી આવતા આરોગ્ય તંત્રના ચોપડે 4 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જોકે, 4 શંકાસ્પદ કેસ પૈકી 2 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં પાલનપુર અને ડીસા તાલુકા ના સદરપુર ગામના દર્દીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 2 દર્દીઓ સારવાર તળે હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
ડેથ રેટ 78%: 48 થી 72 કલાકમાં મોત: ચાંદીપુરા વાયરસ માખી થી થતો રોગ છે. જોકે, ચાંદીપુરા રોગનું ઇન્ફેક્શન હોય તો ચાંદીપુરામાં ડેથ રેટ 78% હોય છે. એટલે કે, ચાંદીપુરાગ્રસ્ત 100 દર્દીઓએ 78 દર્દીઓ પર મોતનો ખતરો રહેલો હોય છે. આ ઉપરાંત ચાંદીપુરા રોગના ચેપ બાદ 48 થી 72 કલાકમાં દર્દીનું મોત નિપજતું હોવાની પ્રબળ સંભાવનાઓ રહેલી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
પાલનપુર-ડીસામાં મોત: બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 4 શંકાસ્પદ કેસ પૈકી પાલનપુરના વોર્ડ નં.2 ના એક દર્દી અને ડીસા તાલુકાના સદરપુરના એક દર્દી મળી 2 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે 2 દર્દીઓ સારવાર તળે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, 2 દર્દીઓના મોતથી આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો હતો. આરોગ્ય તંત્ર દ્વારા આજે રવિવારે પણ તમામ આરોગ્યકર્મીઓને સ્ટેન્ટ ટૂ રખાયા હતા. રવિવારે પણ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, આંગણવાડી અને પ્રાથમિક શાળા ઓમાં પણ ગેરહાજર બાળકોની તપાસ કરી રોગ સંબંધિત લક્ષણો મળી આવે તો આરોગ્ય તપાસણી કરવા આરોગ્યકર્મીઓને સૂચના અપાઈ છે. આ ઉપરાંત જન જાગૃતિ કેળવાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા દરેક ગામમાં અને પ્રાથમિક શાળાઓમાં લઘુ શિબિર -ગુરુ શિબિર કરવામાં આવી રહી છે. આ રોગથી ગભરાવવાની જરૂર નથી પણ સાવચેતી એજ સલામતી હોઈ સ્વચ્છતા રાખવા નો અનુરોધ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો.ભારમલ ભાઈ પટેલે કર્યો હતો.
Tags 2 dead Banaskantha CHANDIPURA virus