ડીસામાં રખડતા ઢોર અને ભૂગર્ભ ગટરના ખાડાની સમસ્યા શિરદર્દ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં દરવર્ષે ચોમાસા દરમિયાન રખડતા ઢોરની સમસ્યા વકરે છે. વરસાદી વાતાવરણ દરમિયાન લીલા ઘાસમાં માખી મચ્છરોથી હેરાન થતા આ ઢોર રોડ ઉપર જ અડિંગો જમાવી બેસી જાય છે ત્યારે આવી સ્થિતિમાં વાહનચાલકો અને રાહદારી ઓનું આવી બને છે. અવાર નવાર મીડિયા મારફત આ સમસ્યા બાબતે બહેરા પાલિકા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવે છે. નગર પાલિકા દ્વારા ડીસામાં રખડતા ઢોર પકડવાની કામગીરીનો વાર્ષિક કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો છે તેમ છતાં પણ શહેરમાં રખડતા ઢોરની સંખ્યાં ઘટવાની જગ્યા એ વધી રહી છે. રખડતા ઢોર અનેક રાહદારીઓને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી દેવા સાથે ગંભીર ઇજાઓ પહોંચાડી કાયમી ખોડની ભેટ પણ આપી છે અને આવા અનેક પીડિત શહેરીજનો દ્વારા આ બાબતે લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ આ સમસ્યાનો નક્કર નિકાલ કરાતો નથી. બીજી તરફ ડીસામાં હાલમાં બીજા રાઉન્ડની ભૂગર્ભ ગટરની કામગીરી પુર જોસમાં ચાલી રહી છે. જેના લીધે શહેરમાં ઠેર ઠેર ખાડા ખોદી દેવામાં આવતા ઠેર ઠેર માટીના ઢગલા રોડ ઉપર પડ્યા જે રોડ ઉપર બેફામ બની ઢોર દોડી રહ્યા છે. ખોદાયેલ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધી છે અને સતત અકસ્માત થવાની ભીતિ પણ પેદા થવા પામી છે. જોકે આમને આમ ચોમાસુ પણ પૂરું થશે પરંતુ ડીસા શહેરમાં આ વર્ષો જૂની માથાના દુઃ ખાવા સમાન સમસ્યા બાબતે આજદિન સુધી કોઈ પાલિકા સતાધીશો આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરી શક્યા નથી તે શહેરીજનોની કમનસીબી છે. હવે આગામી સમયમાં પાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ડીસાવાસીઓને આ સમસ્યાથી છુટકારો મળશે કે કેમ ? તે એક સળગતો સવાલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.