વિપક્ષના બહિષ્કાર વચ્ચે પાલનપુર નગરપાલિકાનું બજેટ મંજુર
વિપક્ષની ગેરહાજરીમાં ગણત્રી ની સેકન્ડોમાં રૂ.31.92 કરોડની પુરાંતવાળું બજેટ બહુમતિના જોરે મંજુર
બજેટની કોપી સમયસર ન મળતા બજેટને વિકાસ વિરોધી ગણાવી વિપક્ષે કર્યો બહિષ્કાર
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની આજે સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સને-2024- 25નું રૂ.31.92 કરોડની પુરાંત વાળું બજેટ રજૂ કરાયું હતું. જે વિપક્ષના બહિષ્કાર વચ્ચે શાસક પક્ષે ગણતરીની સેકન્ડોમાં બહુમતિના જોરે મંજુર કર્યું હતું.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની સાધારણ સભા આજ રોજ પ્રમુખ ચીમનલાલ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સને-2024-25 નું રૂ.31.92 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. જે બેઠકમાં વિપક્ષ ગેરહાજર રહેતા શાસક પક્ષે ચર્ચા કર્યા વિના ગણતરીની સેકન્ડોમાં બજેટ મંજુર કરી બોર્ડ આટોપી લીધું હતું. આજની બજેટ બેઠક માં રૂ.9 કરોડના ખર્ચે માનસરોવર નું બ્યુટીફીકેશન અને રૂ.1.73 કરોડના ખર્ચે કૈલાશ વાટિકા બગીચા સહિતના વિકાસના કામો મંજુર કરાયા હોવાનું પાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું.
જોકે, એજન્ડા સાથે બજેટની કોપી ન મળતા પૂરતો અભ્યાસ થઈ શક્યો ન હતો. ત્યારે બજેટને વિકાસ વિરોધી ગણાવી આંકડા મેળ ખાતા ન હોઈ વિપક્ષ કોંગ્રેસે બજેટ બેઠકનો બહિષ્કાર કર્યો હોવાનું વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે જણાવ્યું હતું. આમ, વિપક્ષના બહિષ્કાર વચ્ચે પાલનપુર નગર પાલિકાનું બજેટ બહુમતિએ મંજુર થયું હતું.