પાલનપુર-મહેસાણા-ધાંગધ્રામાં બ્રાન્ચ: અનેક રોકાણકારો રાતા પાણીએ રોયા હોવાની આશંકા
પાલનપુરની પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપની ઓફિસને લાગ્યા ખંભાતી તાળાં
પાલનપુરમાં વધુ એક “નાઉ સ્ટાર્ટ વે” નું પણ ઉઠમણું થયું હોવાની રાવ
સાબરકાંઠામાં BZ ગ્રુપ બાદ બનાસકાંઠામાં પણ એક જ દિવસમાં 2 કંપનીઓનું ઉઠામણું થયુ હોવાની ચર્ચા પ્રકાશમાં આવી છે. જેમાં પાલનપુરની પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોપરેટીવ સોસાયટી લિમિટેડ કંપનીને ખંભાતી તાળાં લાગ્યા છે. તો વળી, પાલનપુરની “નાઉ સ્ટાર્ટ વે” નામની કંપની પણ ઉઠી ગઈ હોવાની જોર પકડતી ચર્ચાઓ વચ્ચે રોકાણકારો રાતા પાણીએ રોયા હોવાની આશંકા વર્તાઈ રહી છે.
લોભિયા હોય ત્યા ધુતારા ભૂખે ન મરે” તે ઉક્તિને સાર્થક કરતી ઘટનાઓ સમયાંતરે બનાસકાંઠા જિલ્લામાં સામે આવી રહી છે. જેમાં લોભામણી સ્કીમો અને એક ના ડબલ કરવાની લાલચે અનેકો રોકાણકારો છેતરાતા હોવા છતાં બોધપાઠ લેતા ન હોઈ “આજા ફસા જા”ની સ્કીમો મૂકી લોકોના પરસેવાની કમાણી ઘુતારાઓ ચાઉ કરી જતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વધુ બે છેતરપિંડી આચરનાર કંપનીઓનું ઉઠમણું થયું હોવાની રાવ ઉઠી છે.
બનાસકાંઠાના વડગામ તાલુકાના મજાદર ગામનો રમણભાઈ નાઈએ પત્ની સાથે મળી પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કો.ઓપરેટીવ સોસાયટી લિમિટેડ કંપનીને નામે પોન્ઝી સ્કીમની શરૂઆત કરી હતી અને રૂપિયાની સામે ઉચુ વળતર આપતો હોવાની વાત સામે આવી છે. જેમાં તેણે ગુજરાતમાં પાલનપુર, મહેસાણા અને ધ્રાંગધ્રામાં બ્રાન્ચ ખોલી હતી. હાલમાં આ સ્કીમ ચલાવનાર વ્યકિત ફરાર છે અને લોકો તેની શોધી રહ્યાં હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. તેના ઘરે અને પાલનપુર સ્થિય ઓફીસ પર પણ ખંભાતી તાળાં જોવા મળતા રોકાણકારોના જીવ તાળવે ચોંટયા છે.
ધ્રાંગધ્રા મેથણ ગામના લોકો ભોગ બન્યા હોવાની રાવ: સૌ પ્રથમ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આ દંપતિ વિરુદ્ધ અરજી થયાનું સામે આવ્યુ છે. જેમાં પાલનપુર હાઈવેની બ્રાન્ચમાં 3 મહિનાથી તાળા લાગી ગયા છે. તો પ્રસિધ્ધિ નિર્માણનો પ્રોપરાઇટર રમણ એજન્ટ બનીને કામ કરતો હોવાની વાત સામે આવે છે. પલ્સમાં દેવું થઈ જતા પ્રસિદ્ધિ ગ્રુપની બ્રાન્ચ શરુ કરી હતી અને દેવાળું ફૂકવાનું શરૂ કર્યુ હતુ. પોલીસ આ મામલે હાલમાં લોકોના નિવેદન નોંધી રહી છે અને કામગીરી કરી રહી હોવાના અહેવાલ સાંપડ્યા છે. જોકે, રોકાણકારો સામે ન આવતા કેટલા રોકણકારોના કેટલા નાણાં સલવાયા છે તે જાણી શકાયું નથી પણ રોકાણકારોના લાખો રૂપિયા ફસાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
એસ.ટી.કર્મીની કંપનીનું પણ ઉઠમણું: બનાસકાંઠામાં વધુ એક કંપનીએ ઠગાઈ કરી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. બનાસકાંઠામાં “નાઉ સ્ટાર્ટ વે”નામ ની કંપની ખોલી ડબલ રૂપિયા કરી આપવાની લાલચમાં પણ લોકો ઠગાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હજુ આ કંપની એ કેટલા લોકો સાથે અને કેટલા રૂપિયાનું ફ્રોડ કર્યું એ સ્પષ્ટ થઈ શક્યું નથી. કંપની ચલાવનાર પાલનપુર એસ.ટી. વિભાગનો કર્મચારી નિરંજન શ્રીમાળી પણ ક્યાં છે? તેની જાણ ન હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 4 મહિનાથી ગેરહાજર રહેતા એસ.ટી વિભાગ દ્વારા અગાઉ ત્રણ નોટીસો આપવામાં આવી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.
મહેસાણાના રોકાણકારો પણ છેતરાયા હોવાની રાવ: બનાસકાંઠાના પાલનપુરની NOW START ની પોન્જી સ્કીમ માં અનેક લોકો ફસાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પાલનપુર ખાતે NOW START ની ઓફિસ આવેલી છે. જેમાં નિરંજન શ્રીમાળી NOW START નામ એ સ્કીમ ચલાવતા હતા. જેમાં રોજ ના 1 ટકા લેખે રોકાણ ઉપર વળતર આપતા હતા. ચેનલ સિસ્ટમ થી કામ કરી અન્ય લોકો ને જોડતા હોવાની સ્કીમમાં મહેસાણામાં પણ અનેક લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાંવિરમ ઠાકોર નામ નો ઈસમ છેતરપિંડી નો ભોગ બન્યો છે. જેમાં 1.10 લાખ ના રોજ 1100 રૂપિયા વ્યાજ આપવા નો વાયદો કર્યો હતો. જેમાં વિરમ ઠાકોર ને છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો.
5 મહિનાથી રોકાણકારોને પેમેન્ટ થયું ન હોવાની રાવ સાથે 10 થી વધુ લોકો મહેસાણામાં છેતરાયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. જેમાં 15 લાખ થી વધુ નાણાં રોકનાર ના નાણાં ફસાયા છે. ત્યારે છેતરપિંડી નો ભોગ બનનાર આવતીકાલે ફરિયાદ આપશે તેવા અહેવાલ સાંપડયા છે.