પાલનપુર આર.ટી.ઓ.માં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડ

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, ગુડ ગવર્નન્સ અને પારદર્શી વહીવટની ગુલબાંગો વચ્ચે પાલનપુર આર.ટી.ઓ કચેરીમાં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડ આચરાયું હોવાની રાવ ઉઠી છે. આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનરની તપાસ બાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવા છતાં સમગ્ર મામલે આર.ટી.ઓ. કચેરી દ્વારા પોલીસની સાંઠગાંઠથી ઢાંકપીછોડો કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે તટસ્થ તપાસ થાય તો પાલનપુર આર.ટી.ઓ કચેરીમાં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડનું હાડપીંજર બહાર નીકળવાની સાથે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને જેલની હવા ખાવાનો વારો આવે તેવું ચર્ચાસ્પદ બન્યું છે.

પાલનપુર આર.ટી.ઓ.માં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડ આચરાયું હોવાની વિગતો સામે આવી રહી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર આર.ટી.ઓ. કચેરીમાં સને ૨૦૧૫ માં વિદેશમાં રહેતા અરજદારના નામે બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ થયુ હોવાની જાણ થતાં પાલનપુરના મિલન પઢીયાર નામના જાગૃત યુવકે પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનરને આધાર પુરાવા સાથે લેખિત રજુઆત કરી હતી. જેના પગલે પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા પાલનપુર આર.ટી.ઓ કચેરી ખાતે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મિલન પઢીયારની ફરિયાદમાં તથ્ય જણાતા વાહન વ્યવહાર કમિશનરની સુચના મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.

પોલીસ અને જવાબદાર આર.ટી.ઓ.ની સાંઠગાંઠથી આ કૌભાંડ આચરાયું

સાત સાત વર્ષ થવા છતાં આ પ્રકરણમાં કોઈ ઠોસ કાર્યવાહી થઇ નથી. ઉલટાનું સમગ્ર પ્રકરણને રફેદફે કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની રાવ ઉઠી છે. આ પ્રકરણમાં વાહન વ્યવહાર કમિશનરે ફરિયાદીને રૂબરૂ સાંભળ્યા હતા. ફરિયાદીએ રજૂ કરેલા આધાર પુરાવા જોઈને ખુદ કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા. અંતે તેઓએ પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી હતી. જેમાં તટસ્થ તપાસ કરી કસુરવારોને નશયત કરવાની સૂચના અપાઈ હતી. પરંતુ પોલીસ અને જવાબદાર આર.ટી.ઓ.ની સાંઠગાંઠથી આ કૌભાંડમાં આજદિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ ન હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

અમૂકના પગ નીચે રેલો આવવાની શક્યતાઓ વધી

પોલીસ ફરિયાદ દરમિયાન પણ જવાબદાર અધિકારી દ્વારા ફરિયાદીને પ્રલોભન આપતા તેની માંગણીઓ સંતોષવાની વાત કરાઇ હતી. જે અંગેના પ્રુફ પણ ફરિયાદી પાસે છે. ત્યારે ફરિયાદી મિલન પઢીયારે દાવો કર્યો હતો કે, જો આ પ્રકરણની પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય તો બોગસ લાઇસન્સનું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. ત્યારે બોગસ લાઇસન્સ અંગે ઉચ્ચ કક્ષાએથી સીટની રચના કરી ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તે જરૂરી બન્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.