ભાજપને ટેકો જાહેર કરનાર અપક્ષ ધારાસભ્ય માવજીભાઈની નીતિ રીતિથી ભાજપ મોવડી મંડળ નારાજ
મહત્વાકાંક્ષી માવજીભાઈની રાજનીતિમાં શૂન્યાવકાશ સર્જાવાની સંભાવના
-લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કાર્ય કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું
-ડીસા એપીએમસીનાં વર્તમાન ચેરમેન વિરુદ્ધ માવજીભાઈએ મોરચો માંડતા પક્ષે સાઇડલાઇન કર્યાનો ગણગણાટ
-રબારી સમાજના નેતા અને ધારાસભ્ય માવજીભાઈએ ભાજપને ટેકો આપ્યો છતાં લોકસભામાં ધાનેરા, ડીસામાંથી ભાજપને ધારી સફળતા અપાવવામાં નિષ્ફળ
-ગોવાભાઈ અને માવજીભાઈના ગજગ્રાહમાં માવજીભાઈની રાજકીય નાવડી હાલક-ડોલક સ્થિતિમાં
-ડીસાનાં બાઈવાડા ગામના સરપંચ, બે ટર્મ સુધી ડીસા માર્કેટયાર્ડનાં ચેરમેન અને હવે ધાનેરાનાં ધારાસભ્ય માવજીભાઈ રબારી કઈ તરફ વળશે ? તેની પર સૌ કોઈની નજર
લોકસભા ચૂંટણી બાદથી બનાસકાંઠાની રાજનીતિમાં દરરોજ કોઈને કોઈ રાજકીય ગતિવિધિ સતેજ જોવા મળી રહી છે. જિલ્લામાં લોકસભા પૂર્ણ થતાં જ ભાજપ હાર માટે જવાબદાર પરીબળોની ઓળખ સાથે વાવ પેટા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે,તો બીજી તરફ ભાજપમાં રહીને ભાજપને નુકશાન પહોંચાડનાર નેતાજીઓ વધુ સક્રિય બની પોત પોતાના રાજકીય રોટલાઓ શેકવામાં વધુ મશગુલ બન્યા છે. લોકસભા ચૂંટણીમાં કેટલાક ભાજપ આગેવાનોએ પક્ષમાં રહીને પણ પક્ષ કરતાં સમાજ પ્રત્યે વધુ વફાદારી દાખવી તો વળી અન્ય નેતાઓએ ભાજપને ટેકો જાહેર કર્યા બાદ પણ ભાજપ કરતાં કોંગ્રેસને જીતાડવા મહેનત કરી, પરિણામે ભાજપને બનાસકાંઠા લોકસભા બેઠક ગુમાવવાનો વારો આવ્યો હોવાનું રાજકીય પંડિતો જણાવી રહ્યાં છે. જેમાં ધાનેરાનાં વર્તમાન અપક્ષ ધારાસભ્ય અને ભાજપને ટેકો આપનાર માવજીભાઈ દેસાઈની ભૂમિકા શંકાસ્પદ હોવાની રજુઆત જિલ્લા ભાજપના જ કેટલાક સિનિયર નેતાઓ દ્વારા મોવડી મંડળને કરાતા હવે પક્ષે પણ રાજકીય કાર્યક્રમોમાં માવજીભાઈને સાઈડલાઈન કરવાનું ચાલુ કર્યું છે, તેવો ગણગણાટ પણ બનાસના રાજકીય વર્તુળોમાં ઉઠવા પામ્યો છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, માવજીભાઈ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ નહિ મળતા બળવો કરી અપક્ષ ચૂંટણી લડ્યા અને સર્વ સમાજનાં નેતા તરીકે પ્રચાર કરી ત્રિપાંખિયા જંગ વચ્ચે પણ ધારાસભ્ય બનવામાં સફળ રહ્યાં. ત્યારબાદ તેઓએ ફરીથી ભાજપને ટેકો જાહેર કરી દીધો પરંતુ ઈતર સમાજનાં મતોથી ધારાસભ્ય બનેલા માવજીભાઈએ લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં ચૌધરી ઉમેદવારને કોઈ ખાસ મદદ કરી હોય તેવું ચૂંટણી પરિણામનાં આંકડાઓ પરથી કયાંય દેખાતું નથી. બનાસકાંઠાની રાજનીતિના જાણકારોનું માનીએ તો ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ડીસા તેમજ ધાનેરાથી સારી એવી લીડ પ્રાપ્ત થઇ હતી, પરંતુ આ વખતે બંને વિધાનસભાઓમાં ભાજપની લીડ એકદમ ઘટી ગઈ છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે રબારી સમાજનાં નેતા માવજીભાઈના ભાજપને ટેકાથી ભાજપને ફાયદો ઓછો અને નુકશાન વધુ થયું છે. બીજી તરફ ભાજપ મોવડી મંડળે ડીસા માર્કેટયાર્ડનાં ચેરમેન પદે કોંગ્રેસમાંથી આવેલા ગોવાભાઈને બેસાડતા રબારી સમાજના બે બળિયા માવજીભાઈ અને ગોવાભાઈ આમને સામને આવી ગયા છે. પરિણામે ડીસા એપીએમસીમાં પણ બન્ને નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચરમસીમાએ પહોંચી છે. જિલ્લાનાં નેતાઓ વચ્ચેની આ આંતરિક લડાઈ વચ્ચે પક્ષને જેનાથી નુકશાન થયું તેવાં માવજીભાઈની હવે ભાજપ દ્વારા હોદ્દેદારોનાં કાર્યક્રમોમાં પણ બાદબાકી કરવામાં આવી રહી હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યાં છે. પરિણામે ભાજપમાં હવે માવજીભાઈનું રાજકીય કદ ઘટતું હોય તેવું સ્પષ્ટ દેખાવા લાગ્યુ છે.તેથી તેમની રાજનીતિ દાવ પર લાગી છે.
ડીસા એપીએમસીમાં ચંચુપાત માવજીભાઈને ભારે પાડે તેવા એંઘાણ : ડીસા માર્કેટયાર્ડમાં વર્ષ 2013 થી 2023 સુધી સતત બે ટર્મ સુધી ચેરમેન પદે રહેનારા માવજીભાઈ દેસાઈને સ્થાને હાલમાં ગોવાભાઈ રબારી ચેરમેન પદ શોભાવી રહ્યાં છે. ભાજપમાં જોડાયેલા ગોવાભાઈને ચેરમેન બનાવવાથી નારાજ માવજીભાઈએ હવે માર્કેટયાર્ડનાં અન્ય ડિરેક્ટરો સાથે મળી ગોવાભાઈને હટાવવા રાજકીય સોગઠેબાજી ગોઠવી દીધી છે. જેને લીધે બનાસકાંઠા ભાજપના રાજકારણમાં હલચલ વધી ગઈ છે. બીજી તરફ ગોવાભાઈએ પણ માવજીભાઈ વિરુદ્ધ પક્ષનાં મોવડી મંડળ સમક્ષ રજુઆત કરી છે કે પક્ષને ટેકો આપ્યા બાદ માવજીભાઈએ લોકસભામાં ભાજપ વિરુદ્ધ કામ કર્યું અને હવે માર્કેટયાર્ડમાં પણ પક્ષે મને મેન્ડેટ આપ્યો હોવા છતાં મારી વિરુદ્ધ ષડયંત્રો રચી રહ્યાં છે. આમ, વધુ પડતી રાજકીય મહત્વકાંક્ષાને લીધે હવે ભાજપ મોવડી મંડળે પણ માવજીભાઈથી રાજકીય અંતર વધારી દીધું હોય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. તેથી ગોવાભાઈ સાથેનાં ગજગ્રાહમાં માવજીભાઈની કારકિર્દી પર પ્રશ્નાર્થ ચિહ્નન મુકાય તેવી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે તેવી માહિતી વિશ્વસનીય રાજકીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થવા પામી છે.
ભાજપે પક્ષના કાર્યક્રમોમાં આમંત્રણ આપવાનું પણ ટાળ્યું: ધાનેરાનાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની નીતિ રીતિથી ભાજપ મોવડી મંડળ પણ નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. લોકસભા ચૂંટણી સમયથી જ માવજીભાઈની કાર્ય પદ્ધતિ પક્ષની વિરુદ્ધમા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા લાગી છે. જેને પરિણામે શિસ્ત માટે જાણીતાં ભાજપે હવે માવજીભાઈને ભાજપના કાર્યક્રમોમાં આમંત્રણ આપવાનું પણ બંધ કર્યું હોવાની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી મળવા પામી છે. સૂત્રોનું માનીએ તો તાજેતરમાં દાંતીવાડા ખાતે સંગઠન મહામંત્રી રત્નાકરજીની આગેવાનીમાં યોજાયેલ ભાજપની બેઠકમાં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય એવા માવજીભાઈને જ આમંત્રિત નહોતા કરાયા, ત્યારથી જ પક્ષે માવજીભાઈને સાઇડલાઈન કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ધાનેરામાં લોકસભામાં ભાજપને પાતળી સરસાઈ જ કેમ મળી?: માત્ર દોઢ વર્ષ પહેલાં જ 2022 નાં ડિસેમ્બર મહિનામાં આવેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ધાનેરાથી માવજીભાઈ દેસાઈ અપક્ષ ઉમેદવાર હોવા છતાં સર્વ સમાજ સાથે રહેવાની ખાતરીથી 35 હજાર કરતાં વધુ મતોથી જીત્યા હતાં, હવે એ જ માવજીભાઈ ચૂંટણી બાદ ભાજપ સાથે જોડાઈ ગયા અને ભાજપે લોકસભા ચૂંટણીમાં ધાનેરા, ડીસામાં રબારી સમાજનાં મતો અપાવવાની જવાબદારી સોંપી છતાં માવજીભાઈ રબારી સમાજના મતો ભાજપને અપાવી શક્યા નહીં, ઉલ્ટાનું તેમના લીધે કોગ્રેસને વધુ ફાયદો થયો અને ધાનેરા તેમજ ડીસાથી ભાજપને લાંબી લીડની આશા વચ્ચે ખુબ જ પાતળી સરસાઈ મળી. આમ, અંદરખાને માવજીભાઈ ભાજપ સાથે વફાદાર નહિ રહ્યાં હોવાની વહેતી થયેલી હવાઓને લીધે જિલ્લાની રાજનીતિમા ભારે વંટોળ સર્જાયો છે.