બનાસકાંઠાની ૧૦ તા.પં.માં ભાજપ અને ૩ માં કોંગ્રેસ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ અને પેટાચૂંટણીના પડઘમ વચ્ચે બનાસકાંઠાની ૧૩ તાલુકા પંચાયતની બીજી ટર્મની ચૂંટણીના ફરી એકવાર અણધાર્યા પરિણામ આવતા સત્તા પરિવર્તનની લહેર જોવા મળી છે. ૧૩ માંથી ભાજપે ૧૦ અને કોંગ્રેસે ૩ તાલુકા પંચાયત પર કબ્જો કર્યો છે. મતલબ કોંગ્રેસનો ગઢ ગણાતી ભાભર અને વડગામ સહિત ચાર વધુ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જો કે કોંગ્રેસની બહુમતી છતાં તોડફોડના રાજકારણમાં ભાજપે કબ્જે કરેલી કાંકરેજ તાલુકા પંચાયતમાં પુનઃ કોંગ્રેસનો પંજો પ્રસર્યો હતો. ગત અઢી વર્ષની પ્રથમ ટર્મમાં ભાજપના ફાળે ૬ અને કોંગ્રેસના ફાળે ૭ તાલુકા પંચાયત હતી. આ સાથે પાલનપુર, કાંકરેજ અને દાંતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવ્યું છે. જ્યારે ભાભર, વડગામ, દાંતીવાડા, દિયોદર, ડીસા, થરાદ, ધાનેરા, સુઇગામ, વાવ અને અમીરગઢ તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી છે જ્યારે બજેટ મુદ્દે એકમાત્ર લાખણી તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ નહતી. તાલુકા પંચાયતની ચૂંટણીને લઇને ભાજપની વાત કરીએ તો સૌથી મહત્વનું ભાભરનું પરિણામ રહ્યું છે.ભાભરમાં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડુ પાડ્યું છે. ગેનીબેનના ગામના સભ્યો ભાજપમાં પક્ષ પલટો કરી પ્રમુખ બન્યાં છે.
જ્યારે દાંતીવાડામાં કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ થયું છે. આ સાથે દાંતીવાડામાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા છીનવી લીધી છે. જ્યારે વડગામમાં અઢીવર્ષના કોંગ્રેસ શાસન બાદ ૧૯ વર્ષે ભાજપ સત્તા પર આવ્યું છે. આ સિવાય દિયોદરમાં ભાજપને લોટરી લાગી છે ટાઈ પડતા ચિઠ્ઠી નાખવામાં આવતા ભાજપને સતા મળી છે. ચૂંટણીના પરિણામ બાદ છેલ્લા ઘણા સમયથી છવાયેલી ઉત્તેજનાનો અંત આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.