૧૨ સપ્ટેમ્બરથી શરૂ થશે માં આદ્યશક્તિનો ભાદરવી પૂનમ મહામેળો

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ માં અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં માં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે આગામી તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે. જેમાં આગોતરા આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રીએ વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીંણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. કલેકટરશ્રીએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, ગયા વર્ષે આ મેળાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, તેવી જ રીતે આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનું આયોજન કરીએ.

આ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક એસ. મોદીએ અંબાજી ખાતે અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ, નિ:શુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, CCTV કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા સ્વચ્છતા અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી તમામ અધિકારીશ્રીઓને અવગત કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ, પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારીશ્રી અદિતિ વર્સને, યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.