ભાભરઃ રોગ સામે કાળજી રાખો, ચેરમેન શંકર ચૌધરી ડેરીએ દોડ્યા
રખેવાળ, ભાભર
કોરોના વાયરસને લઇ લોકડાઉનની વચ્ચે ભાભર પંથકના ગામડાઓની ડેરીમાં સ્વચ્છતા સાથે સાવચેતીના દ્રશ્યો સામે આવ્યા હતા. જે બાબતે અટલ સમાચાર ડોટ કોમે અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જેને લઇ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ ગઇકાલે સાંજે અચાનક આ ડેરીની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન ડેરીમાં સ્વચ્છતા અને કોરોનાને લઇ સાવચેતી જોઇને તેમને ડેરીના મંત્રી અને ટેસ્ટરને અભિનંદન આપ્યા હતા.
બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના મીઠા ગામની વિજયનગર ડેરીમાં સ્વચ્છતા અને કોરોનાને લઇ સાવચેતી રાખવામાં આવી રહી છે. જેને લઇ મંત્રી અને ટેસ્ટર દ્રારા દૂધ ભરાવવા આવતા ગ્રાહકોને પહેલા સેનેટાઇઝરથી હાથ ધોવડાવવામાં આવે છે. આ સાવચેતીને લઇ અટલ સમાચાર ડોટ કોમે અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેને લઇ ગઇકાલે સાંજે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ અચાનક વિજયનગર ડેરીની મુલાકાત કરી હતી.
બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી અચાનક મુલાકાત કરતા ગ્રાહકો સહિતના ચોંકી ગયા હતા. આ સાથે તેમણે ડેરીના મંત્રી અને ટેસ્ટરને જરૂરી સુચના આપી હતી. આ પ્રસંગે ભાભર તાલુકા પ્રમુખ અમથુજી ઠાકોર હાજર રહ્યા હતા. ડેરીના મંત્રી રમેશજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, થોડા દિવસ પહેલા અટલ સમાચારે ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કર્યુ હોવાથી હું આભાર માનુ છુ.
Tags Banaskantha bhabhr corona Deesa Gujarat