બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ : લાભાર્થીઓને વ્હાલી દિકરી યોજના અંતર્ગત મંજુરી હુકમ તેમજ દીકરી વધામણા કીટનું કરાયું વિતરણ
જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો
અનાથ દીકરીઓને એજ્યુકેશન કીટ અને હાઈજિન કીટ વિતરણ કરાઈ
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બાબા સાહેબ આંબેડકર હોલ, પાલનપુર ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં એજ્યુકેશનલ અને હાઈજીન કીટનું વિતરણ તેમજ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ – ૨૦૧૨ અન્વયે સેમિનારનું પણ આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અને મહાનુભાવોના હસ્તે અનાથ દીકરીઓને એજ્યુકેશનલ & હાઈજિન કીટનું વિતરણ કરાયું હતું. મહાનુભાવોના હસ્તે વ્હાલી દિકરી યોજના અંતર્ગત મંજુરી હુકમ તેમજ દીકરી વધામણા કીટનું પણ વિતરણ કરાયું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આશિષભાઈ જોશી દ્વારા બાળકોને લગતી વિવિધ યોજનાઓ અંતર્ગત ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી. લો કોલેજના પ્રોફેસરશ્રી અવનીબેન આલ દ્વારા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ – ૨૦૧૨ અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.