બનાસકાંઠા ની સુજલામ- સુફલામ કાચી કેનાલ ખાલીખમ સાંસદે કેનાલમાં પાણી છોડવા મુખ્યમંત્રીને કરી રજુઆત
(અહેવાલ : દેવજી રાજપુત પ્રતાપ પરમાર)
સાંસદ ગેનીબેન ઠાકોરની કેનાલમાં પાણી છોડવા મુખ્યમંત્રીને રજુઆત: બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ સિઝનમાં ઓછો વરસાદ થતા મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા પત્ર લખી લેખિતમાં રજૂઆત કરી છે. જિલ્લાના કાંકરેજ, દિયોદર, થરાદ, લાખણી અને ડીસા મળી 5 તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ નર્મદા કેનાલમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી.જેથી ખાલીખમ છે. જો વહેલી તકે તેમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોના મૂરઝાતા પાકોને જીવનદાન મળી શકે તેમ છે અને ખેડૂતોની ચોમાસુ સિઝન સુધરે તેમ છે.
આ અંગે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી કે, બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ચોમાસું વરસાદ ખૂબ જ ઓછો છે. જેથી હાલમાં ખેડૂતોને પિયત પાણીની ખૂબ જ જરૂરિયાત છે. પણ નર્મદા કેનાલ અને સુજલામ સુફલામ કાચી નહેરમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી. જો આ પાણી અત્યારે છોડવામાં આવે તો ખેડૂતોને પાકમાં સારું મળતર મળશે. જેથી સત્વરે પાણી છોડવામાં આવે.તેવી માંગ પણ કરી હતી.