બનાસકાંઠાની સાયબર ક્રાઈમ ટિમ પાલનપુરે 2.11 કરોડની રકમ અરજદારોને પરત અપાવી
સાયબર ફ્રોડનો શિકાર બનેલા 522 લોકોને એક માસમાં 55 લાખ પરત મળ્યા: બનાસકાંઠા જીલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલ અરજદારોની ફ્રોડમાં ગયેલ રકમ પરત મળે તે રીતે કાર્યવાહી કરવાની જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના કરવામાં આવેલ
હાલના આધુનિક ટેકનોલોજીના યુગમાં એન્ડ્રોઇડ મોબાઇલના વધુ પડતા ઉપયોગના કારણે દિન-પ્રતિદિન સાયબર ફ્રોડના બનાવો પણ ખૂબ જ વધી રહ્યા છે. ગુજરાતની ભોળી જનતા અજાણ્યા વ્યક્તિની સાથે લોભ, લાલચ-પ્રલોભન અથવા તો વિશ્વાસમાં આવી જઇને વિવિધ પ્રકારે સાયબર ફ્રોડનો શિકાર બની રહી છે.
જો કોઇ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નં.1930 ઉપર કોલ કરીને કમ્પ્લેન નોંધાવવામાં આવે છે. જે કમ્પ્લેન નોંધાતાની સાથે જ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ભોગ બનેલ અરજદારના બેંક ખાતામાંથી ગયેલ નાણાં સામાવાળાના જેટલા બેંક એકાઉન્ટમાં ગયેલ હોય તે એકાઉન્ટ ફ્રીઝ કરીને તેમાંની રકમ હોલ્ડ કરી દેવામાં આવે છે. જે હોલ્ડ થયેલ નાણાં અરજદારને પરત અપાવવા સાયબર ક્રાઇમ ટીમ, પાલનપુર દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને ભોગ બનેલ અરજદારને પરત અપાવવામાં આવે છે.
જે સંદર્ભે ગત સપ્ટેમ્બર-૨૦૨૪ ના માસમાં કુલ 522 અરજીઓનો નિકાલ કરીને રૂપિયા 55 લાખ જેટલી રકમ પરત અપાવેલ છે. તેમજ આજદિન સુધીમાં બનાસકાંઠા સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલ અરજદારોને કુલ રૂપિયા 2 કરોડ 11 લાખ જેટલી રકમ પરત અપાવીને ‘‘તેરા તુજકો અર્પણ’’ મુજબ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે.જેથી રૂપિયા ઉપડી જતા નારાજ અરજદારોના ચહેરા ચમકી ઉઠ્યા હતા.